મેરાન્યૂઝ.વડોદરાશહેરના અલ્કાપુરી વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ ઉપર ગત રાત્રે પંચર હાલતમાં ઉભેલી બલેનો કારનો દરવાજો ખોલી, તેમાં મુકેલા રૂ. 1.80 લાખની રોકડ રકમની ચોરી કરી ગઠિયો ફરાર થઇ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, ટોપી પહેરેલો વ્યક્તિ એકા એક ઝાડ પાસે આવી કારનો દરવાજો ખોલી તેમાં પડેલી રોકડ રકમ ઉઠાવી ફરાર થઇ જાય છે.

શહેરની નજીક આવેલા અંકોળિયા ગામમાં રહેતા નિમેષ પટેલ જેઓ ખેતીનો વ્યવસાય કરે છે. જેમને સરગવાની સીંગો વેપારી વેંચી હતી. જેથી અલ્કાપુરી સ્થિત એચ.રમેશ નામની પેઢીમાં રૂ. 1.80 લાખનું પેમેન્ટ લેવા માટે મિત્ર મફતભાઇ સાથે પોતાની લાલ રંગની બલેનો કારમાં ગયા હતા. જ્યાં નિમેષ અને મફત સરગવાની સીંગનું પેમેન્ટ લઇ પોતાની કારમાં બેઠા હતા. જોકે કાર થોડેક આગળ જતા અચાનક પાછલા ટાયરમાં પંચર પડ્યું હતું. જેથી જેમ તેમ કરીને નિમેષ પોતાની કાર પેટ્રોલપંપ સુધી લઇ ગયો, અને ત્યાં પંચર રિપેર કરાવા માટે નિમેષ અને તેનો મિત્ર મફત બન્ને કારમાંથી બહાર ઉતર્યા હતા.

જોકે સરગવાની સીંગોનું પેમેન્ટ રૂ. 1.80 લાખની રોકડ રકમ કારની પાછળની સીટ ઉપર પાઉચમાં મુકી હતી. જ્યાં અચાનક એક શખ્સ કારની બાજુમાં લાગેલા ફુલના ઝાડ પાસેની પાળી ઉપર આવીને બેંસી ગયો અને જોત જોતામાં તેણે કારનો આગળનો દરવાજો ખોલી પાછલી સીટ ઉપર મુકેલુ રોકડ રકમ મુકેલી પાઉચ ઉઠાવી ફરાર થઇ ગયો હતો. જોકે  આ ઘટનાને અંજામ આપવા પાછળ કોઇ જાણભેદુ જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી બનાવને પગલે ગોત્રી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે ગઠીયાની શોધખોડ હાથ ધરી છે.