મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: સીબીઆઈના ટોચના બે અધિકારીઓ વચ્ચેના વિવાદે પકડેલા રાજકીય રંગમાં આજે દિલ્હી ખાતે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં સીબીઆઈ કચેરીની ઘેરાબંધી કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધી સહીત ઉપસ્થિત કાર્યકરો ધ્વારા ચોકીદાર ચોર હૈ..ના નારા પણ લગાવ્યા હતા. તે દરમિયાન ઘેરાબંધી કરનાર રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

સીબીઆઈના અધિકારીઓ વચ્ચે શરૂ થયેલો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોચવા સાથે રાજકીય રંગે પણ રંગાઈ ગયો છે. જેમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો સીબીઆઈ વિવાદ અંગે મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિવાદને લઈને આજે રસ્તા પર ઉતરી આવ્યા છે. દિલ્હીના સીબીઆઈ હેડક્વાર્ટર પર સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોંગ્રેસે સીબીઆઈ મામલે આજે દેશભરમાં આંદોલન કરી જ્યાં પણ સીબીઆઈની ઓફિસ છે ત્યાં હલ્લાબોલ મચાવ્યું છે. ગુજરાત અને દિલ્હી સહીત લગભગ દરેક રાજ્યોમાં રાહુલ ગાંધી અને પ્રદેશ પ્રમુખોની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ધ્વારા સીબીઆઈ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન સાથે દેખાવો યોજવામાં આવ્યા છે.

આજે દિલ્હીમાં દેખાવો કરતા રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. તે અગાઉ સીબીઆઈ વિવાદ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારને રાફેલ ડીલની તપાસનો ડર છે. તેથી આલોક વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યો છે. સીબીઆઈના ચીફને હટાવવાનું કામ ત્રણ લોકોની કમિટી કરે છે. તેમાં પીએમ, નેતા પ્રતિપક્ષ અને ચીફ જસ્ટિસ સામેલ હોય છે. પીએમએ કોઈની સલાહ વગર સીબીઆઈ ચીફને હટાવી જનતાનું અપમાન કર્યું છે. આ બંધારણ તેમજ ચીફ જસ્ટિસનું પણ અપમાન હોવાનું જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મામલે કોંગ્રેસે રાષ્ટ્રપતિ પાસે જવાનું નક્કી કર્યું છે. સીબીઆઈ કચેરી બહાર રાહુલ ગાંધીએ કહ્યુ કે,  નરેન્દ્ર મોદી દેશની તમામ સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે પણ કોંગ્રેસ પાર્ટી ચોકીદારને ચોરી નહી કરવા દે.