મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ 12 કરોડના બિટકોઈનની પડાવી લેવાની અને સીબીઆઈ દ્વારા રૂપિયા પાંચ કરોડ રૂપિયા લીધાવાની હોવાની ફરિયાદ હવે સીબીઆઈના ડાયરેકટર સહિત કેન્દ્ર ગૃહમંત્રી સુધી પહોંચી છે. જેમાં ભોગ બનનાર બિલ્ડર શૈલેષ ભટ્ટે આખી ઘટના ક્રમબંધ રજુ કરી, પુર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, અમરેલીના ડીએસપી જગદીશ પટેલ, પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલ, સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયર અને સુરતના ધારાસભ્ય કીરીટ પાલડિયા અને સાતથી આઠ અજાણ્યા ઈસમો સામે અપહરણ અને ખંડણી ઉધરાવવા સહિત માર મારવાની અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધવા માગણી કરી કરી છે.

બિટકોઈન સહિત તમે અનેક બે નંબરના ધંધા કરો છો, તમારે ત્યારે ઈન્કમ ટેકસ સહિત ઈડીના દરોડા પડશે તેવી ધમકી આપી સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી રૂપિયા પાંચ કરોડ પડાવી લેનાર સીબીઆઈ ઈન્સપેક્ટર સુનિલ નાયરે અમરેલી પોલીસ સાથે પણ પંગો નહીં લેવાની સલાહ આપી હતી. અમરેલીના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલે શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમને ચીલોડા પાસેના કેશવ ફાર્મમાં ગોંધી રાખી માર મારી, મારી નાખવાની ધમકી આપી, 12 કરોડના બિટકોઈના ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઘટના બાદ ફાર્મ હાઉસમાંથી છુટેલા શૌલેષ ભટ્ટ મદદ માતે કિરીટ પાલડિયા સાથે સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયરના ઘરે ગયા હતા.

તેમણે સુનિલ નાયર પાસે અમરેલી પોલીસ સામે કાર્યવાહી કરવામાં મદદ માંગી હતી, પણ નાયરે સલાહ આપી હતી કે પોલીસ સાથે પંગો લેશો નહીં, પોલીસ તમને કોઈ પણ ખોટા કેસમાં ફસાવી દેશે, જો કે ત્યાર બાદ પણ અનંત પટેલે ધમકી ચાલુ રાખી પૈસાની માગણી કરતા દિલીપ નામની વ્યકિત દ્વારા રૂપિયા 78 લાખ રોકડા ચુકવવામાં આવ્યા હતા. શૈલેષ ભટ્ટે તમામ સ્તેરે આપેલી રકમ કયાંથી અને કેવી રીતે હવાલા દ્વારા સંબંધીત લોકો સુધી પહોંચી તેની વિગતો પણ પત્રમાં જણાવી છે. સીઆઈડી દ્વારા શૈલેષ ભટ્ટના નિવેદનની ખરાઈ કરવા માટે આંગડીયા પેઢી દ્વારા ચુકવાયેલી રકમનો હિસાબ તપાસ્યો હતો.

જેમાં તમામ વ્યવહાર મળી આવ્યા છે, જેમાં ગાંધીનગરની ઈન્ફોસિટી ખાતે પણ એક રકમ ચુકવાની હોવાનો પુરાવા સીઆઈડીને મળ્યો છે. શૈલેષ ભટ્ટ અમદાવાદ આવી સીઆઈડીને પોતાનું નિવેદન નોંધાવે તેના આધારે સીબીઆઈના ઈન્સપેકટર સુનિલ નાયરને પણ બોલાવી તેમનું નિવેદન લેવામાં આવે તેવી સંભાવના છે.