મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સીબીઆઇએ સોમવારે ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ લાંચ સાથે જોડાયેલા કેસમાં ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી છે. રવિવારે સીબીઆઇએ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

સીબીઆઇએ રાકેશ અસ્થાના સહિત પોતાની એસઆઇટીના ડેપ્યુટી એસપી સહિત ઘણા અધિકારીઓ વિરૂદ્ધ ભષ્ટાચારની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇએ રાકેશ અસ્થાના સામે દાખલ એફઆઇઆરમાં માંસ વ્યાપારી મોઇન કુરેશી પાસેથી 3 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આક્ષેપ કર્યો છે. અસ્થાના જ કુરેશી વિરૂદ્ધની તપાસ સંભાળી રહ્યા હતા. જ્યારે બીજી તરફ રાકેશ અસ્થાનાએ પોતાના પર લાગેલ આરોપ પાયાવિહોણા ગણાવી સીબીઆઇ ચીફ પર પોતાને ફસાવવાનો આક્ષેપ કર્યો છે.

હૈદરાબાદના એક બિઝનેસમેન સતીષ બાબુ સનાની ફરિયાદના આધારે સીબીઆઇએ પોતાના ટોચના અધિકારી રાકેશ અસ્થાના સામે એફઆઇઆર દાખલ કરી એ વાતનો દાવો કર્યો હતો કે બિઝનેસમેને રાકેશ અસ્થાનાને છેલ્લા એક વર્ષમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. બિઝનેસમેન સનાનું નિવેદન સીઆરપીસીની કલમ 164 હેઠળ મેજીસ્ટ્રેટ સમક્ષ નોંધાયુ છે, જે કોર્ટમાં પણ માન્ય હશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોઇન કુરેશી પાસેથી 50 લાખ રૂપિયા લેવાના કેસમાં સના પણ તપાસમાં ઘેરામાં હતા, આ કેસની તપાસ માટે રચવામાં આવેલી એસઆઇટીનું નેતૃત્વ રાકેશ અસ્થાના કરી રહ્યા હતા.