મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: શહેરના બસસ્ટેન્ડ રોડ પરના કોલેજીયન મોલમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા. બે જેટલા શખ્સો ગણતરીની મિનિટોમાં રૂ. 40 લાખની દિલધડક ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોલેજીયન મોલ ગોંડલ તાલુકા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડીમેડ કાપડ સપ્લાય કરવાનો વ્યવસાય કરે છે. સમગ્ર ઘટના મોલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શહેરના બસસ્ટેન્ડ રોડ પરના કોલેજીયન મોલમાં ગતરાત્રીના અઢી વાગ્યા આસપાસ એક અજાણ્યો શખ્સ ઘૂસ્યો હતો. તે મોલનું કેશ કાઉન્ટર ખોલે છે ત્યાં વધુ એક શખ્સ આવી જાય છે. બાદમાં બંને મળીને કેશ કાઉન્ટરમાં રહેલી રોકડ પોતાની પાસેની બેગમાં ભરીને આરામથી પલાયન થઈ જાય છે. બનાવ અંગે મોલના માલિક સલીમભાઈ શકરાભાઈ શેઠાણી દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.


આટલી મોટી રકમ અંગે ખુલાસો આપતા સલીમભાઈએ કહ્યું હતું કે, છેલ્લા પખવાડિયાથી શો-રૂમમાં થતો વકરો નવી ખરીદી માટે એકઠો કરાયો હતો. આજે સવારે જ બેંકમાંથી RTGS દ્વારા આ રૂપિયા વેપારીને પહોંચાડવામાં આવનાર હતા. જો કે આ સમગ્ર ઘટનામાં આરોપી જે રીતે કોઈપણ પ્રકારના ખોફ વિના માત્ર 5 મિનિટ જેટલા ઓછા સમયમાં ચોરીને અંજામ આપીને જતા રહે છે તે જોતા પોલીસે કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરી છે.