મેરાન્યૂઝ નેટવર્ક, ભોપાલ: મધ્ય પ્રદેશમાં તાજેતરમાં થયેલ મુંગવલી અને કોલારસ પેટાચૂંટણી દરમિયાન દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી. રાઉત વિરૂદ્ધ 9 વર્ષ જૂની ફરિયાદની તપાસ મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે બંધ કરી દીધી છે.

મધ્ય પ્રદેશના કર્મચારી વિભાગ તરફથી મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી. રાવત વિરૂદ્ધ તપાસ બંધ કરવાનું કારણ તેમનું નિવૃત્ત થવુ અને ફરિયાદીનું નામ-સરનામુ પૂર્ણ ન હોવાનું જણાવાયુ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2009ના મે મહિનામાં આ ફરિયાદ મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં ‘અજાક્સ સંગઠનના સભ્ય બ્રાહ્મણે’ ના નામથી મુખ્ય સચિવને કરવામાં આવી હતી. ફરિયાદમાં ઓ.પી. રાવત અને તેમના આધિન અધિકારી સુરેન્દ્ર સિંહ ભંડારી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશ કેડરના આઇએએસ અધિકારી રહેલા રાઉત તે સમયે આદિમ કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ હતા. ફરિયાદમાં આ પદ પર રહેતા અપાત્ર લોકોને અનુસૂચિત જાતિનો ખોટી રીતે ફાયદો પહોંચાડવાનો ઓ.પી. રાવત પર આક્ષેપ કરાયો હતો.

ફરિયાદ અનુસાર 14 સપ્ટેમ્બર 2008ના રોજ બધેલ અને બાગડી જ્ઞાતિને અનુસૂચિત જાતિમાં સામેલ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ઓ.પી. રાવતે આદેશ જારી કર્યો નહીં અને આ જ્ઞાતિઓને અનામત વર્ગનો ફાયદો મળતો રહ્યો. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાથી મધ્ય પ્રદેશના રીવા અને પન્ના આવેલા કુમ્હાર પ્રજાપતિ સમુદાયના લોકોને અનુસૂચિત જાતિનો લાભ આપવામાં આવ્યો જે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન હતું.

દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરૂદ્ધ ફરિયાદ બંધ કરવાનો પ્રસ્તાવ મુંગાવલી અને કોલારસ પેટાચૂંટણીના દિવસે એટલે કે ગત 24 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યો હતો. કર્મચારી વિભાગના પ્રસ્તાવને મુખ્ય સચિવ બી.પી. સિંહને મોકલવામાં આવ્યો જેમણે આ પ્રસ્તાવ પર સહમતિની મહોર લગાવી દીધી, જ્યાર બાદ ગત 1 માર્ચના રોજ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી. રાઉત વિરૂદ્ધ તપાસ બંધ કરવામાં આવી.

મીડિયા રિપોર્ટ અનુસાર કર્મચારી વિભાગે રાવત વિરૂદ્ધ ફરિયાદ રદ કરવાના સંબંધમાં તેમની સેવાનિવૃત્તિને આધાર બનાવી છે. વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે રાવત 31 ડિસેમ્બર 2013ના રોજ આદિમ કલ્યાણ વિભાગમાંથી સેવાનિવૃત થઇ ચુક્યા છે એવામા પેન્શન નિયમો હેઠળ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી ન શકાય. વિભાગ તરફથી કહેવામા આવ્યુ છે કે ફરિયાદીએ પોતાનું પુરુ નામ અને સરનામુ પણ લખ્યુ નથી તેથી ફરિયાદને ધ્યાનમાં લેવી યોગ્ય નથી.

આ મામલે મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી. રાવતે કહ્યું છે કે આ અંગે હું કશુ જાણતો નથી અને મારા વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી તે વિશે પણ મને જાણ નથી તો પછી ફરિયાદ રદ કરવા અંગે કેવી રીતે જાણતો હોઉ.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંગાવલી અને કોલારસ પેટાચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે ખૂબ જ કડક રીતે કામગીરી કરતા ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સંભાળીને બોલવાની સલાહ પણ આપી હતી. મતદારોને ધમકી આપવાના દોષિત માનતા ચૂંટણી પંચે વરિષ્ઠ ભાજપ નેત્રી યશોધરા રાજને પણ ચેતવણી આપી હતી. મંત્રી માયાસિંહને નોટિસ આપી હતી તથા અશોકનગર કલેક્ટરને પણ ચૂંટણી પંચે હટાવી દીધા હતા. જો કે આ બંને બેઠકો પર ભાજપનો પરાજય થયો હતો. હવે આગામી મહિનામાં ફરી એક વખત મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.