મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ જળવાયુ પરિવર્તનના જોખમ વચ્ચે એક સમાચાર વધુ પરેશાન કરી શકે છે. ધરતી પર કાર્બન ડાયોક્સાઈડ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે અને આ સ્તર માનવ ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે કાર્બન ડાયોક્સાઈડ જળવાયુ પરિવર્તનનું સૌથી મોટું કારણ છે અને આ ઘણા વર્ષો સુધી વાતાવરણમાં રહે છે.

હવાઈના મૌના લાઓ ઓબ્ઝર્વેટરી મુજબ, વાતાવરણમાં સીઓટુનું સ્તર 415 પાર્ટ્સ પ્રતિ મિલિયન (પીપીએમ) નોંધાયું છે. આ જાણકારી હવામાન વૈજ્ઞાનીક અને પત્રકાર એરિક હોલથોસએ ટ્વીટર પર આપી છે.

તેમણે ટ્વીટ કર્યું કે, માનવ ઈતિહાસમાં પ્રથમવાર આપણી ધરતીના વાતાવરણમાં સીઓટુ 415 પીપીએમથી વધુ નોંધાયું છે. ન ફક્ત ઈતિહાસમાં, ન ફક્ત 10000 વર્ષ પહેલા જ્યારે ખેતીની શોધ થઈ હતી, પણ આ લાખો વર્ષ પહેલા જ્યારે આધૂનિક માનવની હાજરી હતી, તેમાં પહેલીવાર આ સ્તર પર પહોંચ્યો છે.

સીએનએનની રિપોર્ટ મુજબ, સીઓટુનું સ્તર અંદાજીત 30 લાખ વર્ષ પહેલા ઘણું વધુ હતું જ્યારે તેનું સ્તર 300થી 400 મિલિયન પીપીએમ નોંધાયું હતું. ત્યારે વાતાવરણ આજથી 2-3 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતું.

આ જાણકારી ત્યારે સામે આવી છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જળવાયું પરિવર્તનને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ મુજબ, પેરિસ સમજુતી અંતર્ગત ભલે કાર્બન વિકિરણમાં ઘટાડો આવ્યો છે, પરંતુ વિશ્વનું તાપમાન આગામી 30 વર્ષોમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધતું રહેશે.