મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ભારતીય જનતા પાર્ટી માટે જે સલામત બેઠક ગણાઇ રહી છે તે સુરત લોકસભાની બેઠક માટે ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી. જેના કારણે આ બેઠક પર કોકડું ગૂંચવાયું છે. તેવા સંજોગોમાં શા માટે કોકડું ગૂંચવાયું એ સંદર્ભે જાણકારી મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો તો ખ્યાલ આવ્યો કે મૂળ  સુરતી માટે ગણાતી આ બેઠક પર આ વખતે સૌરાષ્ટ્રવાસી ઉમેદવારો વચ્ચે જંગ જામે તો ના નહીં.

એક વાત એવી આવી રહી છે કે કોંગ્રેસ આ બેઠક પર બરાબર ફાઇટ આપવા માટે એક એવા ઉમેદવારને તૈયાર  કરી રહી છે જે સૌરાષ્ટ્રની સંખ્યાબંધ સામાજિક સંસ્થા સાથે સારો નાતો ધરાવે છે. વળી, સહકારી ક્ષેત્રે પણ તેમનું મોટું નામ છે. આ ઉપરાંત સ્વચ્છ છબી ધરાવતા આ યુવાનને મેદાનમાં ઊતારવામાં આવે તો ભાજપ માટે આ બેઠક  પર જીતવાનું કામ આસાન નહીં પણ અઘરું થઈ જાય. પરિણામે ભાજપ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થાય તેની રાહ જોઇ રહ્યું છે.

બીજી બાજુ ભાજપે પણ તૈયારી કરી દીધી હોય તેમ ભાજપની પાર્લામેન્ટરીમાં આ બેઠક માટે જે પાંચ નામો મોકલ્યાં છે. તેમાં બે સૌરાષ્ટ્રવાસી છે. એક છે પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા અને બીજું છે દર્શિની કોઠિયા. જેમાંથી જનક બગદાણાને ટિકિટ મળે તેવી પૂરી શક્યતા છે. કારણ કે તેમણે ધારાસભ્ય તરીકે તો પ્રજાની સેવા કરી જ છે એ ઉપરાંત ધારાસભ્ય નથી તો પણ લોકોના પ્રશ્નનો માટે પ્રતિદિન તેમનું કાર્યાલય ખુલ્લું જ રહે છે અને પોતે પણ દરરોજ લોકોની સમસ્યા સાંભળે છે. આ ઉપરાંત બગદાણા સ્થિત બાપા બજરંગદાસજીની સંસ્થા સાથે તે સંકળાયેલા હોવાના કારણે તેમના સ્વયંસેવકોનું નેટવર્ક પણ કામ લાગે તેમ છે. 

આમ, મૂળ સુરતીની આ બેઠક વચ્ચે બે સૌરાષ્ટ્રવાસી ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાય તો ના નહીં.