મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: લોકસભા ચૂંટણી મધ્યમાં પહોંચી છે ત્યારે અંદાજે ૪૦ હજાર કરોડના ખર્ચે સંપન્ન થનારી આ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો કરોડો રૂપિયાનું ફંડ પણ એકત્ર કરી રહ્યા છે. જેમાં ઈલેક્ટ્રોલ બોંડનો મામલો સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે. તો પ્રથમવાર ઓનલાઈન ચૂંટણી ફંડ એટલે કે લોકફાળો મેળવવા ૨૭ અપક્ષ સહિત ૮૦ ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારોને અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૧.૬ કરોડ જેટલા મળેલા ચૂંટણી ફાળામાં બેગુસરાયથી ચૂંટણી લડી રહેલા વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને સૌથી વધુ ૭૦ લાખ એટલે કે, ચૂંટણી ખર્ચની મર્યાદા જેટલું ફંડ મળી ચુક્યું છે.

ભારત દેશમાં યોજાતી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં પૈસાના વધી ગયેલા મહત્વમાં બ્લેક મની જેટલું જ અસરકારક પરિબળ ચૂંટણી ફંડ કે, લોકફાળાના નામે લેવામાં આવતા પૈસા છે. વિવિધ રાજકીય પક્ષોને નિયમિત રીતે મળતાં નાણાં ઉપરાંત કેન્દ્ર સરકારે આ વર્ષે શરૂ કરેલા ઈલેક્ટ્રોલ બોંડનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે આ વખતે પ્રથમવાર કેટલાંક ઉમેદવારો ઓનલાઇન ચૂંટણી ફંડ મેળવી રહ્યા છે. કુલ ૮૦ ઉમેદવારો પૈકી ૭૮ અવરડેમોક્રેસી ડોટ ઇન નામની વેબ પોર્ટલ ઉપર ફંડ માટે અપીલ કરી રહ્યા છે. જેમાં માત્ર ભારતીય લોકો જ ભારતની બેંકમાં પૈસા જમા કરાવી શકે છે.

આ લોકસભાની ચૂંટણી માટે ૨૭ અપક્ષ અને ૫૧ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો ઓનલાઈન ફંડ માટે સ્ક્રિન પર છે. તેમને અત્યાર સુધીમાં ૮૯૩૪ લોકો તરફથી કુલ રૂપિયા ૨ કરોડનું ફંડ મળી ચૂક્યું છે. જેમાં અપક્ષોનાં ફાળે માત્ર ૨.૮૪ ટકા જ લોકફાળાની રકમ આવી છે. જ્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોને ૧.૬૦ કરોડ જેટલી રકમ મળી છે. તેમાં સૌથી વધારે ૭૦ લાખ એટલે કે, કુલ ફંડમાંથી ૪૨.૭ ટકા ફાળો બેગુસરાયથી ચૂંટણી લડી રહેલા સીપીએમના ઉમેદવાર કન્હૈયા કુમારને મળ્યો છે. જે ચૂંટણી ખર્ચની મર્યાદા જેટલો થઈ ગયો છે.

ઓનલાઇન ચૂંટણી ફંડ માટે ૨૭ અપક્ષો ઉપરાંત આમ આદમી પાર્ટી અને બસપાના પાંચ-પાંચ, કોંગ્રેસના બે તેમજ સપા અને રાજદના ૧-૧ ઉમેદવારોએ પણ ઓનલાઈન ઝોળી ફેલાવી છે. જેમાં બીજા નંબરે આપની દિલ્હીની ઉમેદવાર આતિશીને ૫૯. ૩૧ લાખનું ઓનલાઈન ફંડ મળ્યું છે. જ્યારે આપના કુલ ચાર ઉમેદવારોને એક લાખ કરતાં વધારે ફંડ મળ્યું છે. પરંતુ કુલ ૧૮ ઉમેદવારો એવાં છે કે, જેમને હજુ સુધી એક રૂપિયાનું પણ ખાતું ખુલ્યું નથી. તો ૧૪ ઉમેદવારોને રૂપિયા એક લાખથી વધારે, ૨૪ને ૫૦ હજાર અને ૩૯ ઉમેદવારોને ૧૦ હજારથી વધારે ફંડ મળ્યું છે.

નાગપુરમાં નીતીન ગડકરી સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર નાના પેટોલ અને સિરસાનાં કોંગ્રેસી ઉમેદવાર અશોક તવર પણ ફંડ માટે ઓનલાઈન છે. જ્યારે સેનામાં જવાનોને ખરાબ ભોજન આપવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ કરનાર બીએસએફનાં જવાન તેજ બહાદુર યાદવને વારાણસીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે લડવા માટે રૂપિયા ૧૬૭૫૧ જેટલું ફંડ મળ્યું છે.