મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજાને ભાંડવા બેસે છે ત્યારે કોઇ મર્યાદા નથી રાખતા, પરંતુ, ચૂંટણી પંચ રાજકીય નેતાઓને મર્યાદામાં રહેવા માટે તેમનો કાન જરૂર આમળે છે. સુરત શહેરમાં અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતાઓને સંબોધીને તેમને હરામજાદાઓ કહ્યા હતા, આ મુદ્દો હજુ ચર્ચામાં છે ત્યારે હવે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનો વાણી વિલાસ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

થોડા દિવસ અગાઉ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ ભાજપના નેતાઓને ઉદ્દેશીને હરામખોર જેવો શબ્દ પ્રયોગ એક ચૂંટણી સભાને સંબોધતા કર્યો હતો. આ ચૂંટણી સભામાં બાબુ રાયકાના વાણી વિલાસનો વીડિયો ખુદ કોંગ્રેસી નેતાઓએ જ વાઇરલ કર્યો અને એટલો વાઇરલ કર્યો કે કોંગ્રેસના હરીફ ભાજપા તરફથી કોઇપણ પ્રકારની ફરિયાદ આ અંગે બાબુ રાયકા સામે કરવામાં આવી નથી, આમ છતાં સ્થાનિક ચૂંટણી પંચના આચારસંહિતા જાળવણી વિભાગે સ્વયં બાબુ રાયકા સામે ફરિયાદ દાખલ કરી છે.

જ્યારે ચૂંટણી પંચ સામે ચાલીને કોઇ નેતા સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ દાખલ કરે ત્યારે તેને સ્યુઓમોટો ફરિયાદ કહેવાય છે. ચૂંટણી પંચે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે કેટલાક વાંધાજનક ઉચ્ચારણો બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. ચૂંટણી અધિકારીઓ પાસે બાબુ રાયકાના વાણી વિલાસના વીડિયો છે આમ છતાં જે વિસ્તારમાં ચૂંટણીસભા યોજાઇ હતી એ વિસ્તારના ચૂંટણી અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.

મોડી સાંજે તપાસ કરતા અધિકારીએ તપાસ પૂર્ણ કરીને રિર્પોટ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ આગેવાના દ્વારા કરવામાં આવેલ ભાસણમાં કોઈ જ આચારસંહિતાનો ભંગ થતો નથી.