મેરાન્યૂઝ નેટવર્ક, નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીનાં બુરાડી સ્થિત સંતનગર વિસ્તારમાં એક ઘરમાં એક જ પરિવારનાં 11 સભ્યોના મૃતદેહો મળી આવતાં અરેરાટી ફેલાઈ હતી. રુંવાડા ખડા કરી દેનારી, કંપાવનારી, આ ભયાનક ઘટનામાં 10 મૃતદેહો હાથ-પગ બાંધેલા અને આંખે પાટા બાંધેલી હાલતમાં લટકતા મળ્યા હતા. જ્યારે એક વૃદ્ધાની લાશ જમીન ઉપર હતી. ભાટિયા પરિવારના મૃતકોમાં 7 મહિલા અને 4 પુરુષોનો સમાવેશ થાય છે.

પ્રથમ નજરે આ સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. પણ જે હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે તેને ધ્યાને લેતા કેટલાક સવાલો ઉભા થાય છે. જેને લઈને સામૂહિક હત્યાની સંભાવના પણ નકારી શકાય એમ નથી. પોલીસ તમામ સંભાવનાઓ ધ્યાને રાખીને તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન એક અધુરી સ્યુસાઈડ નોટ મળ્યા પછી' ક્રાઈમ બ્રાન્ચ એવા તારણ ઉપર આવી રહી છે કે પરિવારનાં ત્રણ સભ્યોએ આત્મહત્યાનું નક્કી કર્યું હતું. તેમણે રાતનાં ભોજનમાં નશીલો પદાર્થ ભેળવીને બધાને બેભાન કર્યા બાદ બધાનાં હાથ-પગ બાંધીને ગળાફાંસા આપી દીધા હતા. તેમજ અવાજ બહાર ન જાય તે માટે તેમનાં મોઢે પટ્ટી પણ બાંધી દેવામાં આવી હતી.

પોલીસને ઘરમાંથી અમુક ચબરખીઓ પણ મળી છે. જેના આધારે આ આખી ઘટના તંત્ર-મંત્ર અને અંધશ્રધ્ધા સંબંધિત હોવાની શંકા પણ મજબૂત બને છે. અહેવાલો અનુસાર, મૂળ રાજસ્થાનનો આ પરિવાર બે દાયકાથી દિલ્હીમાં કરિયાણાનો તેમજ પ્લાયવૂડનો ધંધો કરતો હતો. સવારે છ વાગ્યે રોજની જેમ કરિયાણાની દુકાન ન ખૂલી, ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે, આખેઆખો પરિવાર કદી પણ ન જાગે, તેવી નિંદરમાં પોઢી ચૂકયો હશે.

પાડોશીઓ આજે સવારે 7.30 વાગ્યે પરિવારને જોવા ગયા ત્યારે દરવાજો ખુલ્લો પડયો હતો અને અંદરનું ભયાનક દ્રશ્ય જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, 10 મૃતદેહો આંખે પાટા બાંધેલા અને લટકતા મળ્યા હતા, તો એક 75 વર્ષીય મહિલાની લાશ જમીન પર પડેલી મળી હતી. દિલ્હી પોલીસના સેન્ટ્રલ રેન્જના સંયુક્ત પોલીસ કમિશ્નરે જણાવ્યા મુજબ, પ્રથમ નજરે આત્મહત્યાની લાગતી આ ઘટનામાં હત્યા હોવાની શંકા સાથે પણ તપાસ કરવામાં આવી રહી છે.

મૃતકોમાં ત્રણ સગીર, એક બુઝુર્ગ મહિલા તેના બે પુત્રોના કુલ 11 સભ્યાના કુટુંબ સાથે 20 વર્ષથી અહીં રહેતી હતી. એ મહિલાની એક 58 વર્ષીય વિધવા પુત્રી પણ તેની સાથે રહેતી હતી. પુત્રો લલિત અને ભૂપી ભાટિયા, પત્નીઓ ટીના અને સવિતા સહિત 11 સભ્યોની લાશો મળી આવતાં સંતનગર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ છે. થોડા દિવસ પૂર્વે જ ભાટિયા પરિવારની એક દીકરીની સગાઈ કરવામાં આવી હતી. તેની પણ આજે લાશ મળી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ ઘટનાની જાણ થતાં જ સ્થળની મુલાકાતે દોડી ગયા હતા. તેમણે ઘટનાસ્થળે પહોંચીને બનાવની હકિકતો જાણી હતી અને જલ્દી તપાસમાં તથ્યો બહાર આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.