મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ જમીન સંપાદનને લઈને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સંકટના વાદળો છવાયા છે કારણ કે હવે મહારાષ્ટ્ર બાદ ગુજરાતના ખેડૂતોમાં પણ વિરોધનો સૂર રેલાયો છે. ગુજરાતના ખેડૂતોએ જમીન સંપાદનને લઈને હવે વિરોધ દર્શાવ્યો છે.

ગુજરામાં ઘણા સ્થાનો પર ખેડૂતોએ બુલેટ ટ્રેન પરિયોજના માટે જમીન માપણી કે સર્વેક્ષણ માટે રસ દાખવ્યો નથી. ખેડૂત નેતાઓની માગ છે કે જમીન સંપાદન કેન્દ્રીય કાયદા અંતર્ગત થવું જોઈએ ન કે રાજ્યના કાયદાઓ અંતર્ગત. વલસાડ જિલ્લાના વાધલધારા વિસ્તારથી ટીમને બે વાર પાછું આવવું પડ્યું છે.

સારોન ગામના એક ખેડૂત બાઘભાઈ પટેલે એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે, ગ્રામજનોને આ અંગે પહેલાથી જ જાણકારી અપાઈ ન હતી. ખેડૂતોના વિરોધ બાદ એક સર્વેક્ષણ ટીમ આજે મંગળવારે પાછી જતી રહી. ખેડૂતોએ કહ્યું કે, આ અંગે પહેલાથી જ જાણકારી અપાઈ ન હતી. તે પહેલા પણ 150 ખેડૂતોએ વિરોધ નોંધાવીને સર્વેક્ષણ નહોતું કર્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે, જે જમીનનું હસ્તાંતરણ થવાનું છે તે ઉપજાઉ અને સિંચાઈની જમીન છે અને નિકાસ પામનારા ફળો માટે જાણીતી છે. સરકારે આ યોજના માટે કેવી રીતે આ જમીન સંપાદીત કરવી જોઈએ.

ખેડૂતે કહ્યું કે, જમીન અંગે ઘણી મોડી માહિતી આપવામાં આવી હતી. જમીન સંપાદન કાયદાના હિસાબથી 60 દિવસને બદલે અમને એક જ કે બે જ દિવસ પહેલા કહેવાયું, અમારા પાસે જવાબ આપવાનો પણ સમય બચ્યો ન હતો.

કહેવાય છે કે ગુજરાતના 8 જિલ્લામાં કે જ્યાંથી બુલેટ ટ્રેન પરિયોજના નીકળવાની છે ત્યાં વિરોધ થઈ રહ્યો છે. આ અગાઉ ગત મહિને જ મહારાષ્ટ્રમાં પણ બુલેટ ટ્રેન યોજનાને લઈને સંપાદનના સર્વેક્ષણ માટે પહોંચેલા અધિકારીઓને જબરજસ્તી રોકી દેવાયા હતા. ઠાણે જિલ્લાના શીલફાટા વિસ્તારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકર્તાઓએ રાજ્યના લોક નિર્માણ ભારત દ્વારા જમીન માપણી પ્રક્રિયાને રોકી લેવાઈ હતી. અંદાજીત 40 કિલોમીટરનો રુટ ઠાણેથી પસાર થવાનો છે જેને લઈને ખેડૂતોની જમીન લેવાની તૈયારીમાં છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરની બુલેટ ટ્રેન પરિયોજના લાગુ કરી રહી છે જેમાં અંદાજીત રૂ. 1,08,000 કરોડની જંગી રકમનો ખર્ચ થવાનો હોવાનું અનુમાન છે. આ ખર્ચના 81 ટકા જાપાન સરકાર લોનના રૂપે આપવાની છે. જે યોજનાને 2022-23 સુધીમાં પૂર્ણ કરી દેવાનો અંદાજ અપાયો છે.