મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પોઈન્ટ ઓફ ઓર્ડર પર ચર્ચા ચાલી રહી હતી. આ પછી કોંગ્રેસના અંબરીષ ડેરે મુદ્દો ઉપસ્થિત કરવા પ્રયત્ન કર્યો હતો. અન્ય એક સભ્યએ પણ સવારથી તેમને પ્રશ્ન પુછવા દેવામાં આવતા નહીં હોવા સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ વખતે અધ્યક્ષે અંબરીષ ડેરને ત્રણથી ચાર વાર બેસી જવાનું કહ્યું હતું પરંતુ અંબરીષ ડેરે અધ્યક્ષ સામે હાથ લાંબા કરીને પોતાને બોલવા દેવાનું જણાવ્યું હતું. તે વખતે ભાજપના કોઈ સભ્યએ કોમેન્ટ કરતાં અંબરીષ ડેર પોતાની જગ્યા છોડી ભાજપની પાછલી બાજુ ધસી ગયા હતા. તે વખતે વિક્રમ માડમ પણ જોડાતા અધ્યક્ષે તે બંને સભ્યોને ગૃહમાંથી આજના દિવસ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.

આમ છતાં આક્રમક રીતે અંબરીષ ડેર આગળ વધતા સાર્જન્ટ્સ ગૃહમાં આવીને તેમને પકડી લઈ ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા હતા. તે વખતે ભાજપના કોઈ સભ્યએ ફરી ટીપ્પણી કરતાં કોંગ્રેસના એક ધારાસભ્યએ બેઠક પર રહેલું માઈક તોડીને ખેંચી નાંખી ભાજપના ધારાસભ્યને માર્યું છે. જેને પગલે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો સામ સામે આવી જતાં ભારે હોબાળો મચ્યો હતો. જેમાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દસ મીનિટ માટે મુલત્વી રાખી હતી. તે પછી પણ ગૃહમાં અને ગૃહની બહાર ધારાસભ્યો દ્વારા આક્રમક તોફાન ચાલુ રહેતા કમાન્ડો ટીમ અધ્યક્ષથી લઈને સમગ્ર ગૃહને ફરતે ગેરી વળી છે. ઘટના દરમ્યાન પ્રતાપ દૂધાતે જગ્દીશ પંચાલને બેલ્ટ માર્યો હોવાની પણ બાબત સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન આશારામના આશ્રમમાં તાંત્રિક વિધિને નામે બે બાળકો અભિષેક અને દિપેશના મોત અંગેનો રિપોર્ટ ગૃહમાં ક્યારે મુકાશે તે અંગેના સવાલને પગલે આ આખો મામલો બિચક્યો હતો. જિગ્નેશ મેવાણીએ સાથે જ ભાજપમાં ઘણા આશારામના ભક્તો હોવાનો તિખો પ્રહાર પણ કર્યો હતો.