મેરાન્યૂઝ નેટવર્ક. દિલ્હીઃ 2003માં ચકચાર જગાવનાર અમદાવાદના બીજલ જોશી  બળાત્કાર પ્રકરણમાં છેલ્લા 15 વર્ષથી અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહેલા દિલ્હીના સજલ જૈન સહિત પાંચ  આરોપીઓને  છોડી મુકવાનો આદેશ કર્યો છે. 31મી ડિસેમ્બર 2003ની રાત્રે બીજલ જોશી ઉપર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ અમદાવાદ પોલીસમાં નોંધાઇ હતી. આ ઘટના પછી બીજલ જોશી આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનામાં અમદાવાદ પોલીસે   સજલ જૈન સહિત પાંચ આરોપીઓની  બળાત્કાર અને આત્મહત્યા દુષ્પ્રેરણ માટે આરોપી બનાવી અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

અમદાવાદ કોર્ટે રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદન ધ્યાનમાં લઇ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા હતા, પરંતુ બળાત્કાર કેસમાં તમામ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી  હતી. અમદાવાદ સાબરમતી જેલમાં રહેલા સજલ જૈન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સેશન્સ કોર્ટના આદેશને પડકારી તેમની સજામાં ઘટાડો કરવાની માગણી કરી હતી.

જોકે ગુજરાત હાઇકોર્ટે અપીલને ફગાવી દેતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. છેલ્લા 15 વર્ષથી આરોપીઓ જેલમાં છે અને તેમણે એમના ગુનાની સજા ભોગવી લીધી છે તેથી તેમને મુક્ત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આરોપીઓએ  તેમના ગુના કરતા વધુ સજા ભોગવી લીધી છે તેથી તેમને મુક્ત કરવામાં આવે તેવો આદેશ કર્યો હતો.