મેરાન્યૂઝ નેટવર્ક.જયપુરઃ રાજસ્થાનમાં સર્વ બ્રાહ્મણ મહાસભા ફિલ્મમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એક વિદેશીની પ્રેમિકા બતાવવાને લઈને ફિલ્મનો વિરોધ કરી રહી છે. કરણી સેનાના સંયોજકે કહ્યું કે જો બ્રાહ્મણનું લોહી વહેશો તો રાજપૂત ચૂપ નહીં રહે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધ બાદ રાજસ્થાનમાં કરણી સેનાએ કંગના રણૌતની આવનારી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો પણ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કંગના રણૌતની આ ફિલ્મનો વિરોધ સર્વ બ્રાહ્મણ મહાસભા નામના સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, ગત બુધવારે કરણીસેનાએ આ વિરોધને સમર્થન આપવાની વાત કરી છે. કરણી સેનાના સંયોજક લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું કે, ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઈતિહાસને ખોટી રીતે રજુ કરવાને લઈને વિરોધ કરતા બ્રાહ્મણ મહાસભાને કરણી સેના પોતાનું સમર્થન આપે છે. તે બ્રાહ્મણ મહાસભાની સાથે છે.

એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં લોકેન્દ્રસિંહે કહ્યું કે, જો બ્રાહ્મણનું લોહી વહેશે તો રાજપૂત ચૂપ નહીં રહે, જ્યારે રાજપૂતનું લોહી વહ્યું ત્યારે બ્રાહ્મણ ચૂપ નહોતા રહ્યા. તેમણે દાવો કહ્યું કે ‘પદ્માવત’ની રિલિઝના વિરોધમાં 10 હજાર બ્રાહ્મણે લોહીથી પત્ર લખ્યો હતો.

અહીં, સર્વ બ્રાહ્મણ મહાસભાના એક પ્રતિનિધિમંડળને બુધવારે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ સાથે મળીને આ ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઈતિહાસને ખોટી રીતે રજુ કરાયાનું આવેદન આપ્યું હતું.

સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ કહ્યું કે મહાસભાએ રાજ્યપાલને ‘મણિકર્ણિકા’ના નિર્માતાએ ઈતિહાસ ખોટી રીતે રજુ કરી હોવા અંગે શપથ પત્ર આપવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે સર્વ બ્રાહ્મણ મહાસભા ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એક વિદેશીની પ્રેમિકા દર્શાવવાને લઈને ફિલ્મનો વિરોધ કરાઈ રહ્યો છે.

અમર ઉઝાલાની રિપોર્ટ અનુસાર, આ દરમ્યાન ફિલ્મ ‘મણિકર્ણિકા’નું શૂટિંગના કામ અંગે કંગના ગુરુવારે જોધપુર પહોંચી, જોધપુર એરપોર્ટ પર ફિલ્મના વિરોધને લઈને મીડિયા સાથે વાત કતાં તેણે કહ્યું કે, દેશની એક દિકરીનું કિરદાર કરવાનું મને ગર્વ છે. ફિલ્મમાં ઝાંસીની રાણીના પ્રેમ પ્રસંગ જેવી વાતો ફેલાવાઈ રહી છે, તેવું વિચારી પણ કેવી રીતે શકાય?

ફિલ્મ ‘મણિકર્ણિકાઃ દ ક્વીન ઓફ ઝાંસી’માં કંગના રણૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં નજર પડશે. ફિલ્મના નિર્દેશક કૃષ છે અને આ ફિલ્મ આ જ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની શક્યતા છે. ફિલ્મમાં કંગના ઉપરાંત જિસ્સુ સેન ગુપ્તા, અતુલ કુલકર્ણી, સોનુ સુદ, સુરેશ ઓબેરોય અને અંકિતા લોખંડે સહિતના કલાકારો અભિનય કરતા જોવા મળશે.