મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડના નિર્દેશક રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજુ શરૂઆતથી જ ઘણી ચર્ચામાં રહી છે. સંજય દત્ત પર બનેલી આ બાયોપિકમાં રણબીર કપૂર લીડ રોલ કરી રહ્યો છે. ફિલ્મના ટીજર બાદ ફિલ્મમાં સંજુનો રોલ નિભાવી રહેલા રણબીરના લુક અને એક્ટીંગની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર હજુ આવવાનું બાકી છે પણ ટીમ અત્યારથી જ તેના પ્રમોશનમાં લાગી ગઈ છે. જોકે સંજુના પ્રમોશન દરમ્યાન રાજકુમાર હિરાનીને લોકો દ્વારા એક જ સવલા વારંવાર કરવામાં આવી રહ્યો હતો કે તે સંજુને લઈને મુન્નાભાઈ 3 ક્યારે બનાવે છે. તે તમામને જવાબ આપતા હિરાનીએ કન્ફર્મ કર્યું કે, તેમની આગામી ફિલ્મ મુન્નાભાઈ 3 જ હશે.

એટલું જ નહીં તેમણે કહ્યું કે ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલુ થઈ ચુક્યું છે. એક ખાનગી ચેનલને અપાયેલા ઈન્ટરવ્યૂમાં પણ તેમણે કહ્યું કે, અમે મુન્નાભાઈની ત્રીજી ફિલ્મ કરવા માગીએ છીએ અને સ્ક્રીપ્ટ પણ લખી લીધી હતી, પરંતુ સ્ક્રીપ્ટ પહેલા બે ભાગોથી મેળ ન ખાતી હોવાને કારણે તેને મુકી દેવાઈ હતી, પણ હવે મને કાંઈક મળ્યું છે પરંતુ તેને લખવાનું બાકી છે.