મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના રાંદેર વિસ્તારની કૃષ્ણકૂંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર દરજી કામ કરે છે. રાજકુમારને પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર હર્ષ છે. હર્ષ હાલમાં ધો-૧૦ની પરીક્ષા આપી રહ્યો છે. દરમિયાન બુધવારે સવારે રાજકુમારને એકાએક હૃદય રોગનો હુમલો આવતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. એકબાજુ રાજકુમારની અંતિમયાત્રાની તૈયારી ચાલી રહી હતી. તે વચ્ચે હર્ષનું આજે ધો-૧૦નું વિજ્ઞાનનું પેપર આવતા અડાજણમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં ગયો હતો. પિતાનો મૃતદે ઘરમાં પડ્યો હતો ને પુત્રએ પેપર આપ્યું. પેપર પૂર્ણ થયા બાદ અગ્નિદાહની વિધિ કરી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષામાં આજે ધો-૧0નું વિજ્ઞાનનું પેપર પણ સરળ નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. સતત બીજું પેપર પણ સરળ નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પેપરમાં કોર્ષની બહારનો કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હતો. કેટલાક પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા. એકંદરે વિજ્ઞાનનું પેપર પણ સરળ નિકળતા વિદ્યાર્થીઓએ હાંશકારો અનુભવ્યો હતો.