મેરાન્યૂઝ નેટવર્ક.પંચમહાલઃ પંચમહાલમાં આવેલી ગુજરાત ફ્લોરા કેમિકલ કંપનીમાં આજે ભયંકર બ્લાસ્ટ થયો છે. આ જીએફએલ કંપનીના સોલવન્ટ બનાવતા પ્લાન્ટમાં ધડાકો થયો છે જે દરમિયાન ભયંકર આગ ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં ઘણા કામદારો દાઝ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે તેની હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી પરંતુ અહીં એક બાબત સામે આવી છે કે આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના દસેક કિલોમીટરના વિસ્તારમાં લોકો હચમચી ગયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં લોકો ભયભીત થઈ ગયા હતા. આ ધડાકાને પગલે પ્લાન્ટની આસપાસના પાંચેક કિલોમીટર વિસ્તારમાં વાહન વ્યવહારને રોકી દેવાયો છે.

Advertisement


 

 

 

 

 

મળી રહેલી વિગતો અનુસાર આજે સવારે દસેક વાગ્યાના અરસામાં પંચમહાલના હાલોલ ખાતેના રણજીતનગર વિસ્તારમાં આવેલી ગુજરાત ફ્લોરા કેમિકલ કંપનીમાં એક બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના કિલોમીટરો દુર સુધી તેને સાંભળી શકાયો હતો. આ ઘટનામાં ઘણા કામદારો પણ દાઝી ગયા હોવાની વિગતો મળી રહી છે. જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે ખસેડાયા હોવાના અહેવાલ છે. આ કંપનીમાં સોલવન્ટ કેમિકલ બનાવાય છે જેના પ્લાન્ટમાં આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ પછી વિકરાળ આગ લાગતા ફાયર વિભાગ અને પોલીસ તથા મેડિકલ ટીમ પણ અહીં દોડી આવી હતી. બીજી તરફ આ સોલ્વન્ટ ઝેરી હોવાને પગલે રણજીતનગર તરફ જવાના રસ્તાઓને બંધ કરી દેવાયા છે. તથા ત્રણેક ગામના લોકોને સલામત સ્થળે ખસી જેવા સૂચન કરાયા છે. આ નિર્ણય તકેદારીના ભાગ રુપે લેવાયો છે.

જિલ્લા કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા છે. આગની ગંભીર સ્થિતિને જોતા આસપાસના વિસ્તારમાં ઈમર્જન્સીની સ્થિતિ ઊભી થાય તેવું લાગી રહ્યું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લઈ જવાશે. જોકે ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લવાય તેવી શક્યતાઓ છે. ઈજાગ્રસ્તો અંગે હાલ કોઈ સત્તાવાર વિગતો મળી રહી નથી. તંત્ર હાલ બચાવ કાર્યમાં જોતરાયું છે અને શક્ય તેટલું ઓછું નુકસાન અને જાનહાની થાય તેના પ્રયાસોમાં છે.

Advertisement