મેરાન્યૂઝ નેટવર્ક, જોધપુર: બોલીવુડ અભિનેતા સલમાન ખાને વધુ એક રાત જોધપુર જેલમાં વીતાવવી પડશે કારણ કે સેશન્સ કોર્ટ દ્વારા તેની જામીન અરજી પર આવતીકાલે શનિવારે સુનાવણી કરવામાં આવશે. સલમાન ખાનના વકીલ અને સરકારી વકીલ દ્વારા આજે સેશન્સ કોર્ટમાં જામીન આપવા અને ન આપવા અંગે પોતાની દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યાર બાદ કોર્ટે આજના દિવસ માટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આમ જો આવતીકાલે પણ કોર્ટ સલમાનને જામીન આપે તો પણ આવતીકાલનો દિવસ તો સલમાનનો જેલમાં જશે.   

અત્રે ઉલ્લેખનીય છે કે કાળા હરણના શિકાર મામલે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને કોર્ટે દોષિત ઠેરવ્યો છે અને 5 વર્ષની જેલની સજા તથા દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ અન્ય ફિલ્મ સ્ટાર્સને સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે અને નિલમને શંકાના આધારે જોધપુરની સ્થાનિક અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે.

સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. સલમાનને બેરેક નંબર 2માં રાખવામાં આવ્યો છે અને કેદી નંબર 106 અપાયો છે. જેલમાં સલમાન ખાનના પાડોશમાં દુષ્કર્મ અને તાંત્રિક વિધિના નામે હત્યાના આરોપી આશારામ બાપુને રાખવામાં આવ્યા છે.