મેરાન્યૂઝ.ગાંધીનગરઃ માત્ર ટૂંકા ગાળામાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે જે પછી પ્રજાલક્ષી નિર્ણયો કરી ભાજપ સરકાર પ્રચાર કરી શકશે નહીં. આચાર સંહિત્તાને કારણે ભાજપ-કોંગ્રેસના ચૂંટણી પ્રચાર એક તરફ મુકાઈ જશે. જોકે આ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ભાજપ સરકારે પ્રજાને ફાયદો થાય તેવા ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. મતદારોને રીઝવવા અને ખુશ કરવા ભાજપ સરકારે લીધેલા આ નિર્ણયો અહીં વિગત વાર દર્શાવાયા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગુરુવારે મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહ પૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/-ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજ્ય સરકારને રૂા.૧૧.૮૭ કરોડનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજ્ય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અંદાજે પાંત્રીસ હજાર કર્મચારીઓને લાભ મળશે.

બીજી મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના અધિકારી-કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના સેટલમેન્‍ટ મુજબ એચ.આર.એ.ની ૨૧ માસની રકમ ખાસ કિસ્‍સામાં ચુકવાશે. એસ.ટી. નિગમના અધિકારી-કર્મચારીઓને તા.૦૧.૦૪.૨૦૦૯થી તા.૩૧.૧૨.૨૦૧૦ સુધીના સમયગાળા માટે સુધારેલા એચ.આર.એ ના તફાવતની રકમ, ખાસ કિસ્‍સામાં ચુકવાશે. તે માટે રાજ્ય સરકારને રૂા.૬૮.૬૯ કરોડની નાણાંકીય સહાયની રકમ એસ.ટી. નિગમને ફાળવી આપેલી છે, જેના કારણે એસ.ટી.ના કર્મચારીઓને તેનું ચુકવણું કરી દેવામાં આવશે. જેનો લાભ નિગમના ૪૧૦૦૦ કર્મચારીઓને મળશે.

ત્રીજી જાહેરાત કરતાં કહ્યું કે, જણાવ્‍યું છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્‍વનો નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્‍યુ કે કાયમી અસમર્થ બને તો તેવા સંજોગોમાં રહેમરાહે નોકરી અપાશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્યુ થાય ત્‍યારે તેના વારસદારોને જીવન નિર્વાહ માટે તકલીફ ન પડે તે માટે આ સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકાઓમાં જો વારસદાર નોકરીના બદલે જો રોકડ સહાયની માંગણી કરે તો મહાનગરપાલિકા સહાય આપી શકશે પરંતુ પછી તેના વારસદારને આ હકક મુજબ નોકરી મળશે નહીં.

રાજ્યની નગરપાલિકાઓમાં જગ્‍યા પર ફરજ બજાવતા કાયમી સફાઇ કર્મચારીઓ અશકતતા કે માંદગીના કારણોસર કે અન્‍ય અસામાન્‍ય કારણોને લીધે ફરજો બજાવી શકે તેમ ન હોય, અશકતતા/માંદગીના કારણે નોકરી કરવા અસમર્થ બને તેવા કિસ્‍સાઓમાં રહેમરાહે નોકરી આપવામાં આવશે, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શહેરી વિકાસ વિભાગે આ માટે ૪૮% મહેકમ ખર્ચની જે મર્યાદા હતી તે સફાઇ કામદારોની ભરતી કરવા માટે કેટલીક શરતો સાથે રદ કરી છે જેથી હવે રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા માટે નગરપાલિકાને વધુ સત્તા મળશે.

ચોથી જાહેરાત કરતા ડીવાય.સીએમએ કહ્યું કે, ગુજરાત સરકારે તેના અધિકારી/કર્મચારીઓને ૭ માં પગાર પંચના લાભો પુરો પાડયા છે. સાથે સાથે ફિકસ પગારના કર્મચારીઓના વેતનમાં પણ ઉત્તરોતર વધારો કર્યો છે. ત્‍યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેની સહયોગી કંપનીઓમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયકોના ફિકસ પગારમાં પણ નોંધપાત્ર વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેનો લાભ ૭૦૪૯ કર્મચારીઓને મળશે. અને વિદ્યુત કંપનીઓને રૂા.૨૨.૬૯ કરોડનું વધારાનું ભારણ થશે.

પાંચમી જાહેરાત કરતાં તેમણે ઉમેર્યું કે, અમદાવાદના ઔડા વિસ્‍તારની હદમાં આવતા સરદાર પટેલ રીંગ રોડ પર નાના વાહનો એટલે કે પેસેન્‍જર રીક્ષા અને ફોર વ્‍હીલર  કાર પર લેવામાં આવતો ટોલ ટેક્ષ નાબૂદ કરવામાં આવ્‍યો છે. આ નિર્ણયથી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના ગ્રામ્‍ય વિસ્‍તારના હજારો નાગરિકોને લાભ મળશે. ઔડાની આ દરખાસ્‍તને મંજુરી આપવામાં આવી છે. રીંગ રોડ ઉપર દિવસ દરમિયાન અંદાજે ૧૧૦૦૦થી વધુ મોટર કાર અને રીક્ષા પસાર થાય છે. જેનો અંદાજીત રૂા.૮ કરોડ જેટલો ટોલ ટેક્ષ ઔડા દ્વારા ટોલ ટેક્ષ કંપનીને ચુકવાશે. શહેરી વિકાસ વિભાગ અને ઔડા દ્વારા લેવાયેલ આ નિર્ણયથી આ રીંગ રોડ ઉપરથી પસાર થતા લાખો નાગરિકોને સમય સાથે નાણાની પણ બચત થશે.

છઠ્ઠી અને અંતિમ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી અને પેન્શનરોને ૧ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્ય સરકારને ૨૭૩ કરોડ રૂપિયાનો વધારાનો બોજ ઉપાડવો પડશે. રાજ્યના અધિકારી / કર્મચારીઓના હિત માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. રાજ્ય સરકારના અધિકારી / કર્મચારીઓ તેમજ પેન્‍શનરોને મળી કુલ-૮,૨૦,૭૬૪ અધિકારી / કર્મચારીઓને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરીને પગાર અને પેન્‍શન ચુકવવામાં આવી રહ્યું છે. તેના ઉપર હવે આ એક ટકા મોંઘવારી ભથ્થું તા.૦૧.૦૭.૨૦૧૭થી રોકડમાં ચુકવવામાં આવશે.

ઉપરોક્ત જાહેરાતો કરતાં નાયબ મુખ્યમંત્રીએ ખુશી પણ વ્યક્ત કરી હતી સાથે જ થોડી ઘડીઓ પહેલા જ પત્રકારોના એક સવાલ પર તેમણે એવું પણ જણાવ્યું કે હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહના કેસને સરકારે પાછો ખેંચ્યો નથી.