મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન બાદથી સૌરાષ્ટ્રના મોટાભાગના પાટીદાર ભાજપાથી વિમુખ થયા છે જોકે ભાજપ સરકાર તે બાબતને સારી રીતે જાણે છે. રાજકીય નિષ્ણાંતોના મુજબ ગત કેટલાક મહિનાઓથી ભાજપા દ્વારા સૌરાષ્ટ્રમાં ઓબીસી કાર્ડ રમાઈ રહ્યું છે. સાથે જ ક્ષત્રિય સમાજનું મહત્વ વધ્યું છે અને આવનારી ચૂંટણીમાં પાટીદાર ઉમેદવારોને ટાળવાની યોજના સામે આવી રહી છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં ઘણું નુકસાન થયા બાદ ભાજપ દ્વારા આ કાર્ડ રમાવાનું શરૂ થઈ ગયું હતું અને જે વિસ્તારોમાં નુકસાન થયું હતું ત્યાંના નેતાઓને ભાજપાએ પોતાની સાથે જોડી દેવાનું શરૂ કરી દીધું હતું. જેને પગલે ગત કેટલાક સમયથી કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યો એક પછી એક ભાજપમાં ભળી ગયા છે. ભાજપાથી જોડાનાર મોટાભાગના નેતા ઓબીસી સમાજના હોવાના કારણે તેમનું તે ઓબીસી કાર્ડ સ્પષ્ટ થવા લાગ્યું છે.

કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવી ઓબીસી કાર્ડ રમવાનું શરૂ કર્યું

ગુજરાતમાં પાટીદાર સમાજ પછીની સૌથી મોટી વોટ બેન્ક કોળી સમાજની છે. જસદણના કુંવરજી બાવળિયા ન ફક્ત સમાજના અગ્રણી છે, પણ સમાજ પર તેમનો સારો પ્રભાવ છે. જેને પગલે ભાજપ દ્વારા સૌથી પહેલા તેમને પોતાની સાથે ભેળવી લેવાયા હતા. ભાજપા સાથે જોડાતા જ તેમને કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી આપીને ઓબીસી વોટ બેન્ક પર તેમણે કબ્જો કરી લેવાનું શરૂ કર્યું હતું.

જવાહર ચાવડાને જોડીને આહીર વોટ બેન્ક કબ્જે કરી

બાદમાં કોંગ્રેસના એક વધુ કદાવર નેતા જવાહર ચાવડાને ભાજપે પોતાની સાથે જોડી લીધા. આહીર સમાજના અગ્રણી જવાહર ચાવડાનું પોતાના સમાજ પર સારું એવું પ્રભુત્વ છે. સાથે જ ચાવડા સૌરાષ્ટ્રની જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને કચ્છની સીટો પર નિર્ણાયક બનવાની તાકાત ધરાવે છે. ચાવડાના માધ્યમથી ભાજપાએ આહિર સમાજની વોટબેન્કને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ભાજપને ઘણી એવ સફળતા મળ્યાનું માનવામાં આવી રહ્યું છે.

પાટીદાર ઉમેદવારને હરાવનાર વલ્લભ ધારવિયાને પોતાની સાથે જોડી દીધા

જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય સતવારા સમાજના નેતા છે અને ગત વિધાનસભા ચૂંટણીઓમાં પાટીદાર નેતા રાઘવજી પટેલને હરાવીને જીત હાંસલ કરી ચુક્યા છે. એવામાં તેમને પોતાની સાથે જોડીને ભાજપાએ જામનગર લોકસભા ચૂંટણીના માટે સતવારા સમાજના વોટોને પણ પોતાની તરફ ખેંચી લીધા છે. જણાવી દઈએ કે, જામનગરમાં પાટીદાર બાદ સતવારા સમાજ એક મોટી વોટબેંક છે.

એક વધુ કોળી દિગ્ગજ પરસોત્તમ સાબરિયાનો ઉપયોગ

સુરેન્દ્રનગર અને હળવદ લોકસભા સીટ પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને પરષોત્તમ સાબરિયા અહીંના કોળી અગ્રણી હોવાને કારણે તેમની પક્કડ ઘણી છે. તેમની આ સક્ષમતાનો ફાયદો ઉઠાવવા ભાજપ દ્વારા તેમને પોતાની સાથે શામેલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના કોળી સમાજ માટે કુંવરજી બાવળિયા બાદ પરષોત્તમ સાબરિયાનું મોટું નામ છે. તેમને શામેલ કરીને ભાજપાએ સુરેન્દ્રનગર સાથે સાથે હળવદ લોકસભા સીટ પર પોતાની જીતના જંડા ખોંપવાનું શરૂ કરી દીધું છે.

વિધાનસભા 2017ની ચૂંટણીથી પાઠ ભણીને શરૂ કર્યું ઓબીસી કાર્ડ

આજ સુધી જે ઓબીસી વોટબેન્ક કોંગ્રેસની માનવામાં આવતી હતી, જેને ભાજપે પોતાની તરફ ખેંચી લીધી છે. હાલમાં જ ભાજપ સાથે જોડાયેલા ઉપરોક્ત તમામ નેતા ઓબીસી સમાજના છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપાએ પાટીદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. 2019ની ચૂંટણીમાં તેનું પુનરાવર્તન રોકવા માટે ભાજપ દ્વારા આ ઓબીસી કાર્ડ રમાઈ રહ્યું છે.

ઓબીસી સાથે ક્ષત્રિય સમાજને પણ વધુ મહત્વ

ભાજપ દ્વારા ઓબીસી સાથે સાથે જ ક્ષત્રિય સમાજને પણ વધુ મહત્વ અપાઈ રહ્યું છે જેને પગલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને શામેલ કરવામાં આવ્યા છે. સાથે જ હકુભા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવીને ભાજપે ક્ષત્રિય વોટબેન્કને પણ પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. ભાજપનો આ દાવ કચ્છ, સુરેન્દ્રનગર અને જામનગરની લોકસભા સીટો પર ઘણો પ્રભાવશાળી સાબિત થઈ શકે છે.

કોંગ્રેસના અન્ય ઓબીસી નેતા પણ કરી શકે છે કેસરિયા

ભાજપ દ્વારા મિશન 26 અંતર્ગત સૌરાષ્ટ્ર સાથે ઉત્તર ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેને પગલે ભાજપાએ પાટીદારોની નારાજગી સામે ઓબીસી વોટબેન્કને પોતાની તરફ ખેંચી લેવાનો વ્યૂહ અપનાવ્યો છે. આવનારા સમયમાં સુરેન્દ્રનગરના ઓબીસી નેતા સહિત અન્ય કેટલાક ઓબીસી નેતાઓ પર ભાજપની નજર છે. એવામાં આગળ જઈને સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે જોડાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. જોકે ભાજપનું મિશન ઓબીસી કેટલું સફળ રહે છે તે આવનારો સમય જ બતાવશે.

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં