મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગઈકાલે જુદા-જુદા પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે જીત મેળવી છે. આ અંગે સામાજીક પ્રસંગે રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભામાં ભાજપની હાર એ અભિમાનની હાર છે. કોંગ્રેસમુક્ત ભારતના નારા સાથે હું સહમત નથી. પરંતુ રાહુલ ગાંધીની સાથે ચાલવાની વાત સાથે સહમત છું. ભાજપને સત્તાનું ઘમંડ હોવાથી આ પરિણામ આવ્યું છે. તેમજ પોતે જસદણમાં પણ ભાજપનો પ્રચાર નહીં કરે તેવું તેમણે કહ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ભાજપ વાયદાઓ આપી ભૂલી જાય છે. કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર મુર્ખામી ભર્યું છે. લોકશાહીમાં વિરોધ પક્ષનું એક આગવું મહત્વ છે. પરંતુ ભાજપની કેન્દ્રીય નેતાગીરીમાં ઠસોઠસ અભિમાન ભરેલું હોવાથી આ વાત સમજવા તૈયાર નથી. એટલે આગામી લોકસભામાં ગુજરાતમાંથી ઓછી સીટ ભાજપને મળશે. હાલ લોકોની આંખમાં આંસુ છે. અને જનતાના એક-એક આંસુ સરકાર માટે ખતરા સમાન છે.

મને એવું લાગે છે કે અમારી વિશ્વાસની વાત ભૂલ ભરેલી હતી. ભાજપ ગુજરાતમાં ક્યાંય ખરી ઉતરી નથી. મારા ખુદના અનુભવ પરથી હું કહી શકું છું. અમારે સકારાત્મક અભિગમ નહીં પરિણામ જોઈએ છે. શહીદ પરિવારોને આજ દિવસ સુધી નોકરી કે કોઈ મદદ મળી નથી. આવું કરશે તો ભાજપે સત્તા ગુમાવવી પડશે. તેમજ ભાજપ તેમની માંગણીઓ સાથે સહમત નહીં થાય તો 2019ની ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.