પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ચૂંટણી સામે આવી તેના પગલે ભાજપ સરકારે પાટીદાર આંદોલન વખતે કરેલા પોલીસ કેસ પાછા ખેંચવાની શરૂઆત કરી છે. કોઈ પણ પ્રકારના સમાધાન થયા વગર ભાજપે શરૂ કરેલી કાર્યવાહી હાર્દિકને એકલો પાડી દેવાના ભાગ રૂપે હોવાનું જાણવા મળ્યું છે. જે પાટીદારો ઉપર પોલીસ કેસ હતા, તે પોલીસ કેસને કારણે હાર્દિકનો સાથ આપી રહ્યા હોવાની કેટલાક પાટીદાર આગેવાનોએ રજૂઆત કરી હતી. જેના કારણે પહેલા પ્રયાસ રૂપે જેમની ઉપર પોલીસ કેસ છે તે પાછા ખેંચી લેવામાં આવે તો હાર્દિક એકલો પડી જશે તેવા ગણિત સાથે આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
રાજ્યના ગૃહરાજ્ય મંત્રીના કહેવા પ્રમાણે રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે, સૂત્રોના કહેવા પ્રમાણે વિચારણા માત્ર સમય કાઢવાનો ભાગ છે, જો આ દરમિયાન એકલો પડેલો હાર્દિક ભાજપ સાથે બેસવા તૈયાર થાય તો તેની સાથે સમાધાન કરવા ભાજપ સરકાર આતુર છે. આ ઉપરાંત હાર્દિકને એકલો પાડવા માટે ભાજપના દિગ્ગજ નેતા આનંદીબહેન પટેલ સહિતના નેતાઓ હાર્દિકના સાથીઓ અને પાટીદાર આગેવાનોને એકલા મળવાની શરૂઆત કરી છે. થોડા દિવસ પહેલા આનંદીબહેન વિજાપુરના પાટીદાર યુવકોને મળી આંદોલન અને હાર્દિકને છોડી દેવા માટે સમજાવવા ગયા હતા.
આજ પ્રકારે હાર્દિક સાથે સંકળાયેલા અનેક નેતાઓને ભાજપ સરકારા મંત્રીઓ અને પદાધિકારીઓ મળી સમજાવી રહ્યા છે, કે હાર્દિક કોંગ્રેસ સાથે મળી ગયો છે અને હાર્દિક પાટીદાર આંદોલનના નામે પોતાનો રોટલો શેકી રહ્યો છે. આમ ભાજપના એક ટોચના નેતાના કહેવા પ્રમાણે તેઓ હાર્દિકને એકલો પાડવામાં ખાસ્સા સફળ રહ્યા છે આવનાર દિવસોમાં તેની અસર પણ જોવા મળશે.