મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભાજપથી નારાજ શત્રુધ્ન સિન્હા હવે સત્તાવાર રીતે આજે શનિવારે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. આ દરમિયાન તેમણે ભાજપના સંસ્થાપકો નાનાજી દેશમુખ, અટલ બિહારી બાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની પ્રશંસા કરી તો બીજી તરફ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર વાકપ્રહાર કર્યા. શત્રુધ્નએ કહ્યું કે તેમને દુખ છે કે ભાજપના સ્થાપના દિને જ તેમને પાર્ટી છોડવાનો નિર્ણય કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે મને કોંગ્રેસમાં સામેલ કરવામાં લાલુ પ્રસાદ યાદવની મહત્વની ભૂમિકા રહી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્ન સિન્હાને કોંગ્રેસે બિહારની પટના સાહિબ બેઠક પરથી ટિકિટ આપી છે.

શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે હું એમ કહી શકુ છું કે લોકશાહીને આપણે ધીમે-ધીમે તાનાશાહીમાં બદલાતી જોઈ. ભાજપ વન મેન આર્મી અને ટુ મેન શો બની ગઇ છે. પાર્ટીના દિગ્ગજોને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવાયા. યશવંત સિન્હા અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓનું શું હાલ કર્યો? વિદ્રાન નેતા અરુણ શૌરીને સન્માન ન મળ્યું. મને ભાજપે મંત્રી ન બનાવ્યો તેનું મને કોઈ દુખ નથી. ભાજપમાં તો મંત્રી બન્યા છતાં પણ સરકાર તો પીએમઓથી જ ચાલે છે. બધા લોકો ડરેલા છે. ભાજપે સ્માર્ટ સિટીનો વાયદો પણ પૂર્ણ નથી કર્યો. અડવાણી તો પોતાનુ દુખ બ્લોગમાં વ્યક્ત કર્યું. નોટબંધી એ તો દુનિયાનું સૌથી મોટુ કૌભાંડ છે. નોટબંધી દરમિયાન નરેન્દ્ર મોદીની માતા બેંકની લાઇનમાં ઉભા રહ્યા એ તો માત્ર દેખાડો હતો. જ્યારે મેં પાર્ટીથી મોટો દેશ છે તેવું સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મને બળવાખોર ગણાવાયો. આપણા મોટા શેઠ (અમિત શાહ) તો મોટા મોટા વાયદા કરે છે. તેઓ તો ત્યાં પણ પુલ બનાવવાના વાયદા કરે છે જ્યાં નદી નથી હોતી.