પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આમ તો હમણાં સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે, પણ મંગળવારના રોજ જાણે સચિવાલયમાં પ્રવેશ ઉત્સવ હોય તેવો માહોલ હતો. કોઈ ગરીબના મોટી વયના બાળકને પહેલી વખત સ્કૂલમાં બેસાડવામાં આવી રહ્યો હોય તેમ ભાજપના નેતાઓ હરખાઈ રહ્યા હતા. નરેન્દ્ર મોદી અને અમિત શાહ અનેક વખત તેવું કહી ચુકયા છે કે મહાત્મા ગાંધીએ આઝાદી બાદ કોંગ્રેસને વિખેરી નાખવાનું કહ્યું હતું, પણ કોંગ્રેસની નેતાગીરીએ બાપુનું માન્યું નહીં, ત્યાર પછી મોદી-શાહે દેશને કોંગ્રેસ મુકત કરવાનું કહ્યું હતું, પણ હવે લાગે છે કે જે કામ મહાત્મા ગાંધી અને કોગ્રેસના નેતા ના કરી શકયા તે કામ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર કરશે.

કોંગ્રેસ વારે-તહેવારે ભાંડતા નેતાઓને ખબર છે, કોંગ્રેસમાં પણ સારો ફાલ તો છે, જેના કારણે 2017ની ચૂંટણીમાં ભાજપ 99 બેઠક ઉપર આવી અટકી ગયું હતું, ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાને લાગી રહ્યું હતું કે કોંગ્રેસમાં અન્યાય થઈ રહ્યો છે, હવે આખી જીંદગી કોંગ્રેસમાં રહેલા કુવરજી બાવળીયાને અન્યાયનો અહેસાસ થયો અને સવારે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને સાંજે મંત્રી થઈ ગયા હતા. ભાજપના નેતાઓને પણ દાદ દેવી પડે, સામાન્ય કાર્યકર જ્યાંથી વિચાર કરવાનું બંધ કરે ત્યાંથી તેઓ વિચારવાનું શરૂ કરે છે. જશદણમાં ભાજપના જે નેતાઓ રાત દિવસ વર્ષો સુધી મહેનત કરી, કુવરજી બાવળીયા સહિત સમગ્ર કોંગ્રેસ સામે બાયો ચઢાવી રાખી તે કાર્યકર-નેતાઓને હવે બાવળીયાના ભાજપ પ્રવેશ ઉત્સવમાં ફટાકડા ફોડવા પડે છે.

કુવરજી બાવળીયાનો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર આરોપ છે કે, તેઓ જાતીવાદી રાજકારણ રમી રહ્યા છે, પણ બાવળીયાને યાદ ના રહ્યું કે જો તેઓ કોળી આગેવાનને બદલે બીજી કોઈ જ્ઞાતીના આગેવાન હોત તો ભાજપે બાવળીયાની છીંકણી પણ સુંઘી ના હોત. જાતીવાદી રાજકારણના ત્રાજવામાં તો ભાજપ અને કોંગ્રેસ સહિત કોઈ પણ રાજકિય પક્ષને બેસાડો તો હરામ બરોબર જો ત્રાજવુ ઉપર નીચે થાય તો... જાતીવાદના મુદ્દે તો બધા એકબીજાના મોંઢામાં થુકે તેવા છે. ભાજપમાં કોળી નેતા ન્હોતા તેવું નથી, પણ જે નેતાઓ છે તેમના કિલોમીટર પુરા થવા આવ્યા છે હવે વધેલા માલને સેક્રેપ કરવો પડે તેવો છે.

ભાજપના નેતાઓ રાજકરણને એક વેપાર તરીકે જુવે છે, જેમ એક વેપારી માર્ચ મહિનામાં ઈન્કમટેકસમાં ધસારાનો લાભ લેવા નવા વાહન ખરીદે છે તેવી જ રીતે 2019 માટે ભાજપે કુવરજીના નામનું એક વધુ વાહન સચિવાલયમાં લાવી ઊભુ રાખ્યુ છે. કુવરજીની વ્યકિતગત છાપ ખુબ સારી છે, સરળ અને પ્રમાણિક વ્યકિતને તેના કારણે જસદણમાં ભાજપના લાખ ધમપછાડા પછી પણ તે કુવરજીને સચિવાલયમાં આવતા રોકી શકયા ન્હોતા, ખુદ કુવરજીએ પણ જશદણમાં ભાજપનો એકડો ભુસી નાખવા માટે કઈ બાકી રાખ્યું ન્હોતું, પણ હવે છ મહિના પછી કુવરજીએ જસદણમાં ચૂંટણી લડવાની છે અને ત્યારે હવે કોંગ્રેસને ક્યા મુદ્દે બાવળીયા ભાંડશે તે જોવાનું રહ્યું.

ભાજપમાં એવા લોકોની એક લાંબી કતાર છે જેમણે ભાજપને ઘર ઘર સુધી પહોંચાડવા માટે  પોતાની જીંદગી વર્ષો આપી દીધા. તેમણે ભાજપને નેતાગીરીએ શીસ્તની ફુટપટ્ટી બતાડી ખબરદાર કહી કાંઈપણ માગ્યું છે તો... તેમ કહી ચુપ કરી દીધા. ભાજપના આ નેતાઓ પણ જોઈ રહ્યા છે, કે શકિત પ્રદર્શન વગર ભાજપના નેતાઓ તેમને સચિવાલમાં સાંભળતા સુધ્ધા નથી, હમણાં વડોદરાના યોગેશ પટેલ, કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવે લાલ આંખ કરી, ભાજપના ઘણા નેતાને લઘુશંકાનો અનુભવ થઈ ગયો, ભાજપના એવા નેતા કાર્યકરની ફોજ છે જેમણે ક્યારેય કાંઈ માંગ્યુ નથી, પણ તેમની હાલત ઘરના છોકરા જેવી છે અને કુવરજી ઉપાધ્યા થઈ લોટ ફાકી જાય છે.

આમ તો કુવરજીના મામલે ભાજપ અને બાવળીયા બંન્નેએ ખાસ રાજી થવા જેવું નથી, ભાજપને ગરજ છે એટલે કોઈને પણ બાપ કહેશે. આપણે નરહરિ અમીન જેવા કદાવર નેતાની હાલત પણ જોઈ છે. કોંગ્રેસના મંચ ઉપર જેમનું સ્થાન હતું તે નરહિર પાસે આજે અમિત શાહનું પેઈજ લાઈક કરવા સિવાય કોઈ કામ નથી. નરહરિની ખરેખર દયામણી સ્થિતિ છે, આવું જ આગળ જતા કુવરજી માટે પણ થઈ શકે છે, 2019માં  થનારી ચૂંટણીમાં ભાજપનો કુવરજીનો  ઓબીસી નેતા તરીકે લાભ લેવા માગે છે, પણ સામે ભાજપના જ કોળી નેતાઓ નુકસાન કરી જાય તેવી પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ સારી નથી, ખાસ કરી ખેડૂત તે પછી કોઈ પણ જ્ઞાતિનો હોય તે દુઃખી છે. બાવળીયાના નામે ત્યાં આંબા જ ઉગશે તેવું માની લેવાનું કોઈ કારણ નથી.

આખુ ઓપરેશ ભાજપના ચાણકય અમિત શાહે પાર પાડયું છે. તેમની સ્થિતિ સફળતા બાપ જેવી છે, સફળતાનો બાપ કર્ણાટકમાં નિષ્ફળ ગયો હતો. બાવળીયાના આગમન પછી સોશ્યલ મીડિયા ઉપર ખુબ જોક ફરતા થયા. જેમાં, બાળકો ઉપાડી જતી ગેંગની અફવા ખોટી છે તેવું સાબીત કરવા ભાજપે કુવરજી બાવળીયા જેવા આઘેડને ઉપાડી લીધા હતા, તેવુ પણ ખુબ ચાલ્યુ બસ મોજ કરો.