મેરાન્યૂઝ નેટવર્ક.અજમેરઃ રાજસ્થાનમાં વસુંધરા સરકારના મંત્રી અને ભાજપના નેતા શંભૂ સિંહની એક તસવીર સોશ્યલ મીડિયા પર આજકાલ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં મંત્રી શંભુ સિંહ ખુલ્લામાં પેશાબ કરતાં દેખાય છે. આ તસવીર શેર થવા પછીથી મંત્રી શંભુ સિંહની તમામ સ્થળે આલોચના થવા લાગી છે. ત્યાં ફેસબુક અને ટ્વીટર પર યૂઝર્સએ આ તસવીરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન પર સવાલ કર્યા છે. તમામ આલોચનાઓ વચ્ચે મંત્રી શંભુ સિંહે પોતાના બચાવમાં ખુલ્લામાં પેશાબ કરવાને જુની પરંપરાનો એક ભાગ હોવાનું કહી વધુ એક વિવાદને નૌંતરું આપ્યું છે. લોકોએ તેમને સોશ્યલ મીડિયા પર રિતસરના ઝાટક્યા હતા અને ધારદાર વાકબાણો સાથે વિવિધ સવાલો કર્યા હતા.

કહેવાઈ રહ્યું છે કે, આ તસવીર અજમેરના જે સ્થાન પર ખેંચવામાં આવ હતી, ત્યાંથી થોડા જ અંતર પર ભાજપની એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જ્યાં પેશાબ કર્યો ત્યાં જ મુખ્યપ્રધાન વસુંધરા રાજેની તસવીર સાથેનું બેનર પણ હતું. પોતાની જ સરકાર-પક્ષના બેનરને જોઈને પણ એક તબક્કે શંભુ સિંહે કોઈપણ વિચાર કર્યો નહીં અને ત્યાં જ બેસીને પેશાબ કર્યો. તસવીરના સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદથી જ રાજસ્થાન અને કેન્દ્રની ભાજપ સરકાર યૂઝર્સની આલોચનાનો શિકાર થવા લાગી છે. તે પછી મંત્રી શંભુ સિંહે પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, ખુલ્લામાં શૌચ અને પેશાબ બંને અલગ બાબતો છે. ખુલ્લામાં શૌચથી બીમારીઓ ફેલાય છે, પણ પેશાબ કરવાથી કોઈ અસ્વચ્છતા થતી નથી. મંત્રીએ વધુમાં કહ્યું કે, જ્યાં તેમણે પેશાબ કર્યો ત્યાં નજીકમાં કોઈ પણ યુરિનલ ન હતું, જેના કારણે મજબૂરીમાં તેમને આમ કરવું પડ્યું.

ત્યાં તસવીર પર મંત્રીની આલોચના કરતાં કોંગ્રેસ નેતા લલિત ભાટીએ કહ્યું કે મંત્રીને એવું ન કરવું જોઈએ અને ખુલ્લામાં શૌચ કે પેશાબ બંને કરવું ખોટી બાબત કહી શકાય. સ્વચ્છતા દરેક રીતે સ્વચ્છતા જ છે અને તમામે સફાઈ માટે બનાવેલા જરૂરી નિયમોનું પાલન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે તે પહેલા રાજસ્થાનના જોધપુરથી ભાજપના ધારાસભ્ય કૈલાશ ભંસાલીની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. વાયરલ થયેલી તે તસવીરોમાં ભંસાલી પણ ખુલ્લામાં પેશાબ કરતાં નજરે પડ્યા હતા, જે પછી તેમને પણ સોશ્યલ મીડિયામાં યૂઝર્સે ભારે ટ્રોલ કર્યા હતા.