મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: કેન્દ્રની મોદી સરકાર દ્વારા આર્થિક રીતે પછાત સવર્ણોને દસ ટકા અનામતની જાહેરાત કરાયા બાદ ભાજપના નેતા રેશ્મા પટેલે તેના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું છે કે ગઇકાલે 10 ટકા EBC અનામત બિલ પસાર થયું, સવર્ણ ગરીબ વર્ગને ફાયદો થશે થશે તેમ પ્રથમ નજરમાં માનતા ગરીબના હકમાં આ બિલનો સ્વિકાર કરીએ છીએ. આ અનામતથી કેટલો ફાયદો થશે તે વિષય પર હાલ કોઈ ટીકા કરવી ઉતાવળ હશે.

રેશ્મા પટેલે કહ્યું કે, હું ગુજરાતના બિન અનામત વર્ગ માટે ચાલી રહેલા આંદોલનને લઇને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે કેન્દ્ર સરકારે આપેલ 10 ટકા અનામતને તમે OBC અનામતની સાથે સરખામણી ન કરી શકો અને ઓબીસી અનામતના ફાયદા અને વ્યવસ્થાની સાથે પણ સરખાવી ન શકો કારણ કે 10 ટકા કેન્દ્રની અનામત ઓબીસી અનામત નથી તે વાત જનતાએ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે અને જે લોકો, જે સંગઠન ઓબીસી અનામતની માગણીને લઇને આંદોલન કરી રહ્યા હતા તેમણે સ્પષ્ટ કરવું પડશે આપણી માંગણી ઓબીસી અનામતની છે કારણ કે અત્યાર સુધી આ વિષય પર મેં જેટલા આંદોલનકારી અને સંગઠનના નિવેદન સાંભળ્યા તે બધા જુદાજુદા અને ગોળ ગોળ છે. પરંતુ એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે જે લોકો ઓબીસી અનામતની લેખિત માગણી કરશે તેમને મારુ સંપૂર્ણ સમર્થન હશે કારણ કે હું જાણું છું કે ગુજરાતમાં આંદોલન બંધ થવાનું નથી અને માંગણીઓને સ્પષ્ટ રીતે રજૂ નહીં કરીએ તો માસુમ જનતાને આ વાત સમજવામાં મુશ્કેલી વધી જશે તેથી આપણા આંદોલનનો મુદ્દો સમાજહિતમાં લેખિતમાં સ્પષ્ટ કરવામાં આવે તેવો મારો આગ્રહ છે.