પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): 1990ના દાયકામાં ભાજપ પાસે વિશાળ પ્રમાણમાં કાર્યકરો ન્હોતા અને પૈસા પણ ન્હોતા છતાં ભાજપ પાસે એવા કાર્યકરો હતા જે મન-તન અને ધનથી ભાજપ સત્તામાં આવે તે માટે કામ કરતા હતા. આ કાર્યકરોને ક્યારેય કલ્પના ન્હોતી કે એક પછી એક સત્તાના શિખર ભાજપ સર કરશે. તેમને મન ભાજપ એટલે રાષ્ટ્રવાદી પક્ષ તેમજ હિન્દુ અને હિન્દુત્વ માટે કામ કરનાર લોકો. ચૂંટણી આવે ત્યારે થાંભલા ઉપર ચઢી બેનરો બાંધવાની સાથે દિવાલો ઉપર કુચડો લઈ ભાજપના સ્લોગન લખવાનું કામ પણ પોતાના ખર્ચે કરનાર કાર્યકરો અને નેતાઓ ભાજપ પાસે હતા.

ઇ.સ. 1995 પછી ક્રમશ: બધુ બદલાવા લાગ્યુ, ભાજપે સત્તા મેળવી તેની સાથે જેઓ ભાજપની છીંકણી પણ સુંઘવા તૈયાર ન્હોતા તેવા શ્રીમંતોની કાર અમદાવાદના ભાજપના પ્રદેશ કાર્યલાય નીચે પાર્ક થવા લાગી. ધીરે ધીરે ભાજપનો જે મુળ કાર્યક્રમ હતો તે હાંસીયામાં ધકેલાઈ જવા લાગ્યો. ભાજપને કોર્પોરેટ પાર્ટી બનાવવા માટે પૈસાની જરૂર હતી જેના કારણે ભાજપમાં કોર્પોરેટ નેતાઓ હાવી થવા લાગ્યા. તેમને ભાજપ અને હિન્દુત્વ સાથે સ્નાન સુતકનો સંબંધ ન્હોતો. તેમને પણ ભાજપ એટલે વેપાર કરી લેવાનું સ્થળ હતું. જે કાર્યકર અને નેતા થાંભલા ચડી બેનર બાંધતા હતા અને દીવાલો પર સુત્રો લખતા હતા તેમની હવે ભાજપને જરૂર ન્હોતી. ભાજપની ખરેખર તાકાત તેના કાર્યકરો હતા.

પણ 2001 પછી સ્થિતિ બદલાઈ ગઈ. 2002માં કોમી તોફાન થયા અને નરેન્દ્ર મોદી હિન્દુ નેતા તરીકે ઉભરી આવ્યા. જે ભાજપ કાર્યકર અને સંગઠનના કારણે ઉજળી હતી તેમાં એક કરિશ્માઈ નેતા મળ્યો અને લોકો ભાજપને નહીં પણ નરેન્દ્ર મોદીને મત આપવા લાગ્યા, સ્થિતિ એવી નિર્માણ થઈ કે નરેન્દ્ર મોદીના નામે મત મળવા લાગ્યા તેના કારણે ભાજપ કોઈપણને ટિકિટ આપે તો પણ તે ચૂંટાઈ આવવા લાગ્યો હતો. આ પરિસ્થિતિની બે પ્રકારની અસર થઈ, પહેલી નરેન્દ્ર મોદી માનવા લાગ્યા કે ભાજપના કોઈ નેતાની વ્યક્તિગત ઓળખ, આબરૂ અને મહેનતનું કોઈ મહત્વ નથી. ભાજપમાં જે કંઈ શ્રેષ્ઠ થઈ રહ્યુ છે તેના હકદાર તેઓ પોતે એકલાને એકલા જ છે. બીજી અસર એવી થઈ કે ભાજપ લોકોની પાર્ટી થઈ અને કાર્યકર વગર પણ ચૂંટણી જીતી શકાય તેવુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત તમામ નેતાઓ માનવા લાગ્યા હતા.

હવે ભાજપના તમામ નાના મોટા કાર્યકરો એક તરફ આવી ગયા હતા. ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો હતો, તેમાં કાર્યકરનું કોઈ જ યોગદાન નથી તેવુ તેમના નેતાઓ સમજવા લાગ્યા હતા. ભાજપની સરકાર હોવા છતાં સચિવાયલ અને ધારાસભ્ય મંત્રી પાસે પોતાના અને લોકાના કામ લઈ જતા કાર્યકરને હડધુત કરી દેવામાં આવતા હતા. કાર્યકર દુખી હતો પણ તે પોતાનું દુખ કોઈને કહી શકતો ન્હોતો. હવે પોતાના જ ભાજપમાં પોતાનું જ ઉપજતુ નથી તેવુ કહેવાની હિંમત તેનામાં ન્હોતી. સત્તા અને સતત મળી રહેલા વિજયને કારણે ભાજપની રાજ્ય અને કેન્દ્રની નેતાગીરી અહંકારી થઈ ગઈ હતી.  ભાજપનો કાર્યકર પોતાના જ ઘરમાં એકલો પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસના આયાતી નેતાઓની બોલબાલા થવા લાગી હતી.

ભાજપના દુખી કાર્યકર અને નેતાઓ શાંત હતા કારણ કે તેમણે સત્ય બોલનાર નેતાઓ અને ભાજપ છોડી જતા રહેલા નેતાની સ્થિતિ જોઈ હતી. તેઓ સતત ભાજપના વિજયની પ્રાર્થના કરતા હતા અને પાર્ટીએ જ્યારે પણ તેમને જે જવાબદારી સોંપી તેઓ ખંતપુર્વક પાર પાડતા હતા. પાંચ રાજ્યોની ચૂંટણી માટે પણ તેમણે અથાગ મહેનત કરી હતી પણ જ્યારે પરિણામ આવ્યા અને ભાજપના હાથમાંથી બાજી સરકી ગઈ ત્યારે તેમનું મન દુખી જરૂર હતુ પણ તેમનું મન કહેતુ કે સારૂ થયુ. કદાચ આ પરિણામને કારણે આકાશમાં ઉડતા તેમના અંહકારી નેતાઓ જમીન ઉપર પાછા ફરશે. પિતા ઘરડા થાય  અને ખાટલામાં જ પડી રહેતા હોય તો પણ તેમના પિતા તરીકેના દરજ્જામાં કોઈ ફેર પડતો નથી પણ ભાજપના નેતાઓ ઘરડા થયેલા પોતાના જુના કાર્યકરને માન આપવાનું તો બાજુ ઉપર મુકી તેમને સ્મશાનમાં મુકી આવ્યા હોય તેવી સ્થિતિ કરી દીધી.