મેરાન્યૂઝ નેટવર્ક, ભુવનેશ્વર: ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે બુધવારે કહ્યું કે કેન્દ્ર સરકાર શિક્ષણ અને નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાય માટે અનામતની નીતિને ન તો રદ કરશે, ન તો કોઈને રદ કરવા દેશે.

ભાજપ અધ્યક્ષે કાલાહાંડી જિલ્લાના ભવાનીપટના વિસ્તારમાં આજે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં લખેલ અનામતની નીતિને કોઈપણ બદલવાની હિંમત ન કરી શકે. અમિત શાહે જુદાજુદા દલિત સંગઠનો દ્વારા એસસી-એસટી એક્ટ અધિનિયમને કથિત રીતે નબળા પાડવા વિરૂદ્ધ આયોજીત રાષ્ટ્રવ્યાપી બંધ દરમિયાન થયેલ હિંસામાં લગભગ એક ડઝન લોકોના મોત માટે કોંગ્રેસ અને વિરોધ પક્ષને જવાબદાર ગણાવ્યો.

અમિત શાહે કહ્યું કે બંધનું આહ્વાન શા માટે કરવામાં આવ્યુ જ્યારે વડાપ્રધાને લોકોને આશ્વાસન આપ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ સરકાર પુનર્વિચાર અપીલ દાખલ કરશે. આ બંધ દરમિયાન થયેલ વિરોધ પ્રદર્શનમાં દસ લોકોના મોત થયા હતા.

અમિત શાહે જણાવ્યુ હતુ કે ભારતના સંવિધાનમાં અમારો પૂર્ણ વિશ્વાસ છે. બાબા સાહેબ આંબેડકર દ્વારા સંવિધાનમાં નક્કી કરેલ અનામત નીતિમાં જરા પણ ફેરફાર કરવામાં નહીં આવે. કોઈ તેમાં બદલાવ કરવાની હિંમત ન કરી શકે. ભાજપ કોઈપણને અનામત નીતિમાં બદલાવ કરવાની મંજૂરી પણ નહીં આપે.