મેરાન્યૂઝ.સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો અને કાર્યકરો સામે રાજ્યભરમાં નોંધાયેલા કેસ પાછા ખેંચવાની સરકારની જાહેરાત માત્ર અને માત્ર લોલીપોપ સમાન છે. કારણ કે રાજ્યભરમાં પાટીદારો સામે લગભગ 1,400 જેટલા ગુના નોંધાયા છે તેમાંથી ગણીને માત્ર 178 જેટલા કેસ પાછા ખેંચવાની વાત છે. જે કેસ જાહેરનામાના ભંગ બદલ કરવામાં આવ્યા હોય તે છે તેમ પાસના સુરતના કન્વીનરે કહ્યું હતું.

પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું કે જે કિસ્સામાં આઈપીસીની કલમ 144 અને 188 એટલે કે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભેગ કરવા બદલ ગુના નોંધાયા હોય તેવા કેસ પરત ખેંચવાની વાત છે. આવા કેસ રાજ્યમાં 178 છે જ્યારે સુરતમાં 18થી વધુ છે. સુરતમાં લગભગ બે કેસમાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે.

વાસ્તવમાં તો જે કેસ ગંભીર પ્રકારના કહી શકાય તેવા કેસની વાત સરકારે કરવી જોઇએ તેના બદલે આ મામૂલી કેસના નામે સરકાર મોટો જશ ખાંટવા નીકળી છે. સરકારની આ નીતિ સામે પાસમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.