મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જસદણ પેટાચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બંને પક્ષના દિગ્ગજ નેતાઓ રાજકોટ અને જસદણ આવી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. આ તકે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભોળાભાઈ ગોહેલ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ અગાઉ રાજ્યસભામાં પણ ભાજપને મત આપી ચુક્યા છે. તેમના સહિતના સારા નેતાઓ માટે ભાજપના દરવાજા હંમેશા ખુલ્લા છે.

જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, જસદણનો જંગ ભાજપ જીતશે અને કોંગ્રેસને હાર અપાવશે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોની કોઈ અસર પેટા ચૂંટણીમાં થવાની નથી. દરેક રાજ્યોની ચૂંટણીના સમીકરણો સમાન હોતા નથી. કોંગ્રેસ હાર ભાળી ગઇ હોવાથી ભાજપના નેતા અને ભાજપને હરાવવા માટે કામ કરતા હોવાની ખોટી વાતો ઉડાવી રહ્યા છે.