મેરાન્યૂઝ.મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના પનવેલમાં ભાજપ કાઉન્સિલરનો બર્થ ડે મનાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પછી મહારાષ્ટ્રમાં રાજકીય દંગલ મચી ગયું છે. કોંગ્રેસએ આ મામલે મહારાષ્ટ્ર સરકારને કાર્યવાહી કરવાની માગ કરી છે.

વાયરલ વીડિયો અનુસાર, ભાજપ કોર્પોરેટર રાજૂ સોનીનો બર્થડે પનવેલના પોલીસ મથકમાં મનાવતા દેખાય છે. પોલીસ સ્ટેશનમાં બર્થડે કેક કાપવામાં આવે છે. આ સમયે સીનીયર પીઆઈ ભાજપના કોર્પોરેટરને કેક ખવડાવતા પણ દેખાય છે. રાજૂ સોનીના પરિવારના લોકો પણ આ સમયે ત્યાં હાજર દેખાય છે. ભાજપના કાર્યકર્તાઓ પણ આ સમયે ત્યાં ઉપસ્થિત છે અને પોલીસવાળાઓ સાથે ભાજપના નેતાને હેપી બર્થડે કહેતા દેખાય છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

કોંગ્રેસે આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે સવાલ પુછ્યો છે કે એક પાર્ટીના નેતાની બર્થડે પોલીસ મથકમાં કેવી રીતે મનાવી શકાય. કોંગ્રેસના રાજ્ય મહાસચિવ પૃથ્વીરાજ સાઠેએ કટાક્ષ કરતાં કહ્યું કે, પોલીસ મથકોમાં ભાજપના નેતાઓના લગ્ન અને અન્ય સમારોહની પણ સુવિધા આપવી જોઈએ.