મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલા પાછળ ભાજપ જવાબદાર હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યો છે. કોંગ્રેસના બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કાવતરુ ઘડીને ઉત્તર ભારતીયો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપવું જોઈએ અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાથી સાચા ગુજરાતીઓને શરમ અનુભવાઇ રહી છે. મારુ પણ માથુ શરમથી ઝુકી જાય છે જ્યારે ભાજપના કાવતરા હેઠળ આવી ઘટનાઓ ઘટે છે. વાયબ્રન્ટ ગુજરાત દ્વારા સરકારના કેટલાક લોકોને ઘણુ મળ્યું પરંતુ સામાન્ય ગુજરાતીને કશું ન મળ્યું.  ગુજરાતીઓને રોજગારી જોઈએ છે. યુવાનો પાસે નોકરીઓ નથી. બીજી તરફ ભાજપ નિષ્ફળ છે. ઉત્તર ભારતીયો પર હુમલાને લઇને તેમણે કહ્યું કે ગુનો કરનારનો ન તો કોઈ ધર્મ હોય છે, ન તો કોઈ રાજ્ય, ન તો કોઈ જાતિ.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોઈ જગ્યાએ એક ઘટના ઘટે છે તો મુખ્યમંત્રી કહે છે કે કોઈપણ ફેક્ટરીમાં 20 ટકાથી વધુ બિન ગુજરાતી હશે તો તે નહીં ચાલે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય સહિત અન્ય ધારાસભ્યએ રેલી કાઢી અને ભાષણ આપ્યું હતું અને ત્યાર બાદ પરપ્રાંતિયો પર હુમલા થયા છે. આણંદના અમુલ પ્લાટમાં કામ કરતા પરપ્રાંતિયો પર હુમલા કરનારને ભાજપના ધારાસભ્યએ છોડાવ્યા.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનું મોટુ યોગદાન છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને પદ પરથી હટાવી ભાજપના ત્રણ ધારાસભ્યો વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો ગુજરાત છોડી ગયા છે તેમને પાછા લાવવા જોઈએ. શક્તિસિંહે હુમલામાં ભાજપનો હાથ છે તેવો દાવો કરતા સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ મેસેજ પણ બતાવ્યા હતા જેમાં ભાજપ સાથે જોડાયેલ વ્યક્તિએ આ મેસેજ વાયરલ કરેલ હતા.