પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): જ્યારે રાજાઓ યુદ્ધ લડતા ત્યારે પણ તેના નિયમો હતા. એક વખત સુર્યાસ્ત થઈ જાય પછી તેઓ હથિયાર ઉપાડતા નહીં, સ્ત્રી અને બાળકોને નુકશાન પહોંચડા નહીં. આવા પ્રકારના તો અનેક નિયમો હતા. સરદાર પટેલે દેશના 562 રજવાડાનું ભારતમાં વિલિનીકરણ કર્યુ અને દેશ આધુનિક રાજાઓને હવાલે કરી ગયા. જો કે આ નવા રાજાઓએ લડાઇના તમામ નિયમોએ અભરાઈએ ચઢાવી દીધા છે અને તારા કરતા હું વધુ ‘નગ્ન’ થઈ શકુ તેવી હરિફાઈ ચાલી રહી છે. જાહેરમાં અને વિધાનસભા તેમજ સંસદમાં એકબીજાને ગાળો ભાંડતા નેતાઓ ખાનગીમાં ધંધા પણ સાથે કરે તેવા ઉદાહરણો પણ આપણા દેશમાં છે. પરંતુ ચૂંટણી જ્યારે આવે ત્યારે દરમાંથી ઉંદરડા બહાર નિકળે તેમ નેતાઓ ઉમટી પડે છે. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે જેના કારણે દેશનો માહોલ બદલાઈ ગયો છે. 2014માં દેશની જનતાએ સ્વિકારી લીધુ છે હતું કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે એટલે પ્રજાએ તેને જડમુળમાંથી ઉખાડી ફેંકી અને ભાજપને શાસન સોંપ્યુ હતું.

આ જ રીતે પાંચ વર્ષ સુધી દેશના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં રાજ કરનાર ભાજપે પ્રજા માટે શુ કર્યું તેનો તેઓ જવાબ આપશે તેવુ પ્રજા માની રહી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષ ભાજપના શાસનના ચિઠ્ઠા ખોલશે અને વિરોધ પક્ષની ભુમિકા અદા કરશે તેવુ પ્રજા માની રહી હતી. આમ પ્રજા ન્યાયાધીશની ભુમીકા આવી ગઈ છે. તે ભાજપ પાસે શાસક તરીકે શુ કર્યુ અને કોંગ્રેસ પાસે વિરોધપક્ષ તરીકે શુ કર્યુ તેનો હિસાબ માંગવા માંગે છે. પણ શાસક અને વિરોધ પક્ષે તેના કરતા કંઈક જુદી જ શરૂઆત કરી. જે પક્ષ શાસનમાં હોય તેના દ્વારા જાણે અજાણે ભુલો તો થવાની જ છે. કોંગ્રેસ ખરેખર તે મુદ્દે બોલી શકે તેવા ખટારો ભરી મુદ્દા છે. પણ કોંગ્રેસના મુર્ખ શીરોમણીએ નરેન્દ્ર મોદીના મા-બાપ ઉપર બોલવાની શરૂઆત કરી. આ આખી વાત નરેન્દ્ર મોદી અને ભાજપને ધિક્કારતા મતદારોને પણ પસંદ આવી નહીં.

દુશ્મન પણ કઈ હદ સુધી નીચે જઈ શકે તેની પણ સામેવાળી વ્યક્તિને ખબર હોય છે પણ નરેન્દ્ર મોદીના મા-બાપનો ઉલ્લેખ કરી કોંગ્રેસે અત્યંત આકરા શબ્દોમાં કહીએ તો તમામ પ્રકારની નીચતાની હદ વટાવી દીધી છે. જો કોંગ્રેસ નીચ છે તો અમે તેમના કરતા પણ વધુ નીચ છીએ તેવા મુડમાં ભાજપના નેતાઓ આવી ગયા, તેમણે રાહુલ ગાંધીનું કુળ ક્યુ તેવો પ્રશ્ન પુછી નાખ્યો. આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જાણે હરિફાઈ ચાલી રહી હોય કે કોણ સૌથી મોટો ‘નાગો’ તેવુ લાગી રહ્યુ છે. આપણે ત્યાં હજી જાગૃતિ આવી નથી  માટે ક્યારેક ભાજપ જીતે છે અને ક્યારેક કોંગ્રેસ જીતે છે. પણ ખરેખર પ્રજાએ તો નોટા (NOTA)નો ઉપયોગ કરી આ પ્રકારની હલકી મનોવૃત્તી ધરાવતા નેતાઓને તેમની હેસીયત દેખાડી દેવી જોઈએ. જે પક્ષોને દેશના પ્રશ્નોની ખબર અને ચિંતા નથી તેવા શાસક અને તેવો વિરોધ પક્ષ બંન્ને દેશ માટે એટલો જ જોખમી છે.

દરેક સંબંધોમાં એક મર્યાદા હોવી જોઈએ, તે વિરોધી મતનો હોય તો પણ તેનું સન્માન જળવાવુ જોઈએ. અટલ બિહારી બાજપાઈ જ્યારે પહેલી વખત કેન્દ્રમંત્રી મંડળનો હિસ્સો બન્યા ત્યારે તેમણે જોયુ તો તેમની ચેમ્બરમાં લાગેલી જવાહરલાલ નહેરૂની તસવીર તેમના સ્ટાફે હટાવી દીધી હતી કારણ નહેરૂ અને બાજપાઈના વિચારો ભીન્ન હતા. પરંતુ જ્યારે બાજપાઈએ જોયુ કે નહેરૂની તસવીર હટાવી દેવામાં આવી ત્યારે તેમણે પોતાના અંગત સચિવને બોલાવી કહ્યુ નહેરૂજીની તસવીર જ્યાં હતી ત્યાં જ ફરી લગાવી દો. નરસિંહરાવ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમના એક પુસ્તકનું વિચોમન હતું. નરસિંહરાવ જાણતા હતા કે  તેમના સાહિત્યને સમજી શકે તેવો જીવ તો અટલ બિહારી બાજપાઈ છે અને તેમણે બાજપાઈના હાથે પોતાના સર્જનને ખુલ્લુ મુક્યુ હતું. એટલુ જ નહીં નરસિંહારાવે પોતાના ભાષણમાં બાજપાઈને પોતાના ગુરૂ તરીકે સંબોધન પણ કર્યુ હતું.

આ પરંપરા આપણા દેશના રાજકારણીઓની રહી છે. પોતાના વિરોધીની તાકાત અને નબળાઈ તેઓ બંન્ને જાણતા હતા છતાં જાહેરમાં તેમની સારી બાબતની પ્રસંશા કરતા તેમને ખચકાટ થતો ન્હોતો. તેઓ એકબીજાને માન આપી જીતી જવામાં માનતા હતા. હવે જાણે અપમાન કરવાની દોડ શરૂ કરી દીધી છે. જે સત્તા ઉપર હોય તે વિરોધીઓ સાથેનો હિસાબ પુરો કરે અને જે વિરોધ પક્ષમાં હોય તે નીમ્નકક્ષાના આરોપો મુકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ નેતાઓ સાથે તેમના ટેકેદારો સેલ્ફી તો પડાવે છે પણ તેમને તેમના નેતા માટે આદર નથી કારણ નેતાઓએ જાણે આદરની નિલામી શરૂ કરી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.