મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન કેસમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલા અમરેલીના બે પોલીસ કોન્સ્ટેબલ અને સુરતના વકીલ કેતન પટેલને સીઆઈડી ક્રાઈમ  સોમવારની સાંજે સાડા ચાર વાગે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માગશે. આ કેસમાં નોંધાયેલા ગુના બાદ સીઆઈડીના વડા આશિષ ભાટીયાએ જણાવ્યુ હતું કે અમને હમણાં સુધી અમરેલીના ડીએસપી જગદીશ પટેલ સામે પુરાવા મળ્યા નથી. છતાં અમે ડીએસપીને ક્લિનચીટ પણ આપતા નથી, વધુ પુરાવા મળે ત્યાર બાદ કાર્યવાહી કરીશુ. અત્રે ઉલ્લેખનિય છે કે રવિવારના રોજ સીઆઈડી દ્વારા થયેલી ધરપકડમાં વકીલ કેતન પટેલની ધરપકડ વધુ મહત્વની છે.

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમને ગાંધીનગર નજીક ચિલોડા ફાર્મમાં લઈ જવામાં આવ્યા ત્યારે સુરતનો કેતન પટેલ ત્યા હાજર હતો. આમ કેતનની હાજરી બહુ મહત્વની સાબિત થઈ રહી છે. સુત્રોની જાણકારી પ્રમાણે શૈલેષ ભટ્ટને ઉપાડી લઈ જવામાં આવે તો સારા પૈસા મળશે આવી ટીપ કેતન પટેલ દ્વારા અમરેલીના ડીએસપી જગદીશ પટેલને આપવામાં આવી હતી. આમ આખુ કાવતરુ કેતન પટેલ અને જગદીશ પટેલે સાથે મળીને ઘડ્યુ હતું. ત્યાર બાદ તેમના કેટલાક પાત્રો અને પ્યાદા ઉમેરાતા ગયા હતા. હાલના તબક્કે સીઆઈડી ક્રાઈમે ત્રણે આરોપીઓના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે,  રીમાન્ડ દરમિયાન વધુ તથ્યો બહાર આવશે.

કેતન પટેલ અને જગદીશ પટેલ લાંબો સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને 32 કરોડનો હવાલો પાડવામાં આવ્યો ત્યારે પણ કેતનની ભુમિકા મહત્વની રહી છે. સીઆઈડી ક્રાઈમ મોબાઈલ કોલ્સ ડિટેઈલના આધારે કેતન અને જગદીશ પટેલના સંપર્કોની તપાસ કરી રહી છે. પહેલી આરોપીઓની યાદીમાં જગદીશ પટેલનું નામ નહીં હોવા છતાં જગદીશ પટેલને લાંબો સમય રાહત મળે તેવી શક્યતા બહુ ઓછી છે. આ ગુનો નોંધાયા પછી ફરાર થયેલા પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલ અને તેમના કોન્સ્ટેબલ આગોતરા જામીન માટે પ્રયત્નમાં હોવાની જાણકારી પણ સીઆઈડી ક્રાઈમને મળી છે.

સોમવારના રોજ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ શૈલેષ ભટ્ટને તેમનું અપહરણ થયુ ત્યાંથી ચિલોડા ગયા ત્યાં સુધીનો ઘટનાક્રમ જોવા અને નોંધવા માટે નોંધવા પોતાની સાથે લઈ ગયા હતા. સીઆઈડી ક્રાઈમ દ્વારા તમામ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યુ હતું.