મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: રૂ. 12 કરોડની કિંમતના બિટકોઇન લઈ ફરાર થયેલા અમરેલીના પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલ અને તેમના ભાગેડુ સાથીઓને ગુજરાત સીઆઈડી ક્રાઈમ શોધી શકી નથી. જ્યારે અમરેલી જિલ્લા ડીએસપી જગદીશ પટેલ ફરી વખત રજા ઉપર ઉતરી જતા આવી રહેલા તોફાનના એંધાણ મળી રહ્યા છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા હમણાં સુધી આ મામલે માત્ર ત્રણ જ ધરપકડ કરી છે જેમાં બે પોલીસવાળા અને સુરતના વકીલનો સમાવેશ થાય છે. ત્રણે આરોપીઓના રીમાન્ડ પુરા થતાં તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

12 કરોડની કિંમતના બિટકોઇન કેસમાં સમગ્ર ઘટનાથી વાકેફ અને સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી ઉપાડી કેશવ ફાર્મમાં લઈ જવા અને ત્યાર બાદ તેમની પાસેથી પડાવી લેવામાં આવેલા બિટકોઇનનું મુંબઈમાં રોકડમાં રૂપાંતરણ કરાવી લેવા સુધીની ઘટનામાં સામેલ અમરેલીના ડીએસપી જગદીશ પટેલ આરોપીઓની પહેલી યાદીમાં નથી, કારણ તેમણે આખી યોજનામાં શારિરીક રીતે પોતાની હાજરી બનાવના કોઈ સ્થળે બતાવી નથી. પરંતુ સીઆઈડી ક્રાઈમ દ્વારા પકડવામાં આવેલા વકીલ કેતન પટેલ ઉર્ફે ભંડેરી સાથે જગદીશ પટેલ સંપર્કમાં હતા. કેતન પટેલ સુરતના શ્રીમંતોની માહિતી વિવિધ એજન્સીઓને પુરી પાડી વચેટીયાનું કામ કરતો હતો અને તેણે જગદીશ પટેલને માહિતી આપી હતી કે જો શૈલેષ ભટ્ટને ઉપાડવામાં આવે તો દલ્લો મળે તેમ છે.

પરંતુ હવે પગ તળે રેલો આવતા જગદીશ પટેલે ઈન્સપેક્ટર અનંત પટેલ અને પોલીસકર્મીઓનો હાથ છોડી દીધો છે. હવે ભાગ ખાય ભગલો અને માર ખાય રઘલો જેવી સ્થિતિ થઈ છે. કેતન ભંડેરી અને જગદીશ પટેલની યોજના પ્રમાણે શૈલેષ ભટ્ટ પાસેથી મળેલા પૈસામાં બધાએ ભાગ પાડ્યો પણ હવે ગુનો નોંધાયા પછી જગદીશ પટેલ મારે કેસ સાથે કોઈ લેવાદેવા નથી તેવુ કહી રહ્યા છે. બીજી તરફ જગદીશ પટેલ એક પૂર્વ મુખ્યમંત્રીના પુત્રની મદદ લઈ કેસને રફેદફે કરવા માટે મેદાનમાં  ઉતર્યા છે.  પુર્વ મુખ્યમંત્રીના પુત્ર ડીએસપી જગદીશ પટેલ વતી કેસમાં સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોવાની જાણકારી મળી છે. જો કે પુર્વ મુખ્યમંત્રીના પુત્રને આ કેસમાં સમાધાન થઈ જાય તેમા ક્યા પ્રકારનો રસ છે તેની જાણકારી મળી નથી. પરંતુ સુત્રોની જાણકારી પ્રમાણે દ્વારકામાં તૈયાર થઈ રહેલા આ નેતાના પુત્રના રીસોર્ટમાં જગદીશ પટેલની ભાગીદારી હોવાની ચર્ચા છે.

આ કેસમાં સરકાર પક્ષે ગુનો નોંધાયો છે, જેમાં ડીવાયએસપી શૈલેષ રઘુવંશી હવે ફરિયાદી છે તેવા કિસ્સામાં આ કેસમાં ભોગ બનાનાર શૈલેષ ભટ્ટ સાથે જગદીશ ભટ્ટ અને ઈન્સપેક્ટર અનંત પટેલ સમાધાન કરી લે તો પણ ખાસ ફાયદો થવાનો નથી. શૈલેષ ભટ્ટના બિટકોઈન કેવી રીતે ગયા તે શોધવામાં સીઆઈડી નિષ્ફળ જાય તો પણ શૈલેષ ભટ્ટનું અપહરણ થયુ, ગોંધી રાખ્યા અને માર મારી ખંડણીની માગણી થઈ તે વાત ફલિત થઈ ગઈ છે. આમ નેતાના પુત્રની સમાધાનની ફોર્મ્યુલા કારગર નિવડે તેમ નથી. સુત્રોની જાણકારી પ્રમાણે એકાદ બે દિવસમાં અનંત પટેલ એન્ડ કંપની તબ્બકાવાર આગોતરા જામીન મુકવાનો પ્રયાસ કોર્ટમાં કરશે, જે પોલીસ કર્મચારીની સૌથી ઓછી ભુમીકા છે તેમને આગળ કરી કોર્ટનો મુડ જાણવાનો પ્રયત્ન થશે.