મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન કેસના મુખ્ય સુત્રધાર અમરેલીના એસપી જગદીશ પટેલની આખરે ધરપકડ થઈ ગઈ છે. જો કે હમણાં સુધી પોતાને આ કેસ સાથે કોઈ નિસ્બત નથી તેવો તેમનો દાવો છે. પરંતુ તેમના તાબામાં અમરેલી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલે વટાણા વેરી દેતા સીઆઈડી જગદીશ પટેલ સુધી પહોંચી ગઈ હતી. ગુનો નોંધાયા પછી ફરાર થયેલા પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલને કોર્ટ કેસના ખર્ચા પેટે રૂપિયા 40 લાખ રોકડા ખુદ જગદીશ પટેલ અમદાવાદ આવી આપી ગયા હોવાનું સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને જણાવ્યુ છે. જેથી કોર્ટે જગદીશ પટેલને આગામી 1 મે સુધી એટલે કે સાત દિવસના પોલીસ રીમાન્ડ ઉપર સોપવાનો આદેશ આપ્યો છે.

બિટકોઇન પ્રકરણમાં પોતે અજાણ હોવાનો દાવો કરતા એસપી જગદીશ પટેલ કઈ રીતે આ ગુનામાં સંડોવાયેલા હતા તેના પુરાવા સીઆઈડી ક્રાઈમ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં જગદીશ પટેલની કોલ ડિટેઈલના આધારે સ્પષ્ટ થયુ હતું કે શૈલેષ ભટ્ટને લૂંટી લેવા માટે સુરતના વકીલ અને જગદીશ પટેલે સાથે મળી યોજના બનાવી હતી. જ્યારે પોલીસ કસ્ડટીમાં રહેલા ઈન્સપેક્ટર અનંત પટેલે પણ પોતાના નિવેદનમાં કહ્યુ હતું તા. 10મી ફેબ્રુઆરીના રોજ રાત્રે એસપી જગદીશ પટેલે ફોન દ્વારા સુચના આપી કે સુરતના કેતન પટેલ સાથે વાત કરી અને તે કહે તે પ્રમાણે કામ કરવુ જેના ભાગ રૂપે અનંત પટેલે કેતન પટેલ સાથે વાત કર્યા પછી તેઓ બીજા દિવસે ગાંધીનગર પોતાના સ્ટાફ સાથે આવ્યા હતા, બિટકોઇન પડાવી લીધા હતા.

 

આ અંગે શૈલેષ ભટ્ટની અરજી ઉપર તપાસ થઈ રહી હતી ત્યારે આ કેસની પતાવટ માટે ઈન્સપેક્ટર અનંત પટેલ અમદાવાદની એક ઓફિસમાં શૈલેષ સાથે સમાધાન માટે આવ્યા હોવાના સીસીટીવી ફુટેઝ સીઆઈડીને મળ્યા છે. જ્યારે એસપી જગદીશ પટેલ સમાધાનની બેઠક માટે ભાવનગરના વલ્લભીપુરના ધર્મેન્દ્રસિંહ ગોહિલના બંગલે ગયા હોવાના પુરાવા પણ સીઆઈડીને મળ્યા છે. આમ જગદીશ પટેલ ગુનો નોંધાય તે પહેલા ફરિયાદી સાથે સમાધાનના પ્રયાસ કરી રહ્યા હોવાના પુરાવા મળ્યા હોવાનું સીઆઈડીએ જગદીશ પટેલની રીમાન્ડ અરજીમાં જણાવ્યુ હતું.

સીઆઈડીએ કોર્ટને જણાવ્યુ હતું કે ગુનો નોંધાયા બાદ અનંત પટેલ ફરાર થઈ ગયા હતા. પરંતુ અનંત પટેલ પોતાનું નામ ખોલે નહીં તે માટે જગદીશ પટેલે પ્રયાસ કર્યા હતા અને ખુદ જગદીશ પટેલ રૂપિયા 40 લાખ રોડકા લઈ અમદાવાદ આવ્યા હતા અને સિન્ધુભવન રોડ ઉપર તેમણે અનંત પટેલે કોર્ટ કેસ લડવા માટે આ રકમ આપી હતી. સીઆઈડીએ જણાવ્યુ હતું કે જગદીશ પટેલ પોલીસ અધિકારી છે જે ઘણી હકિકત છુપાવી રહ્યા છે, તેના કારણે તેમની પાસેથી માહિતી મેળવવા માટે 14 દિવસના પોલીસ રિમાન્ડની જરૂર છે. કોર્ટે રજુઆત સાંભળ્યા બાદ સાત દિવસના પોલીસ રીમાન્ડ ઉપર સોંપવાનો આદેશ આપ્યો હતો.