મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન કેસમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક પછી એક તથ્યો બહાર આવતા જાય છે. પરંતુ આખા મામલામાં પોતાના 17 કરોડ રૂપિયા ગુમાવી ચુકનાર શૈલેષ ભટ્ટને જેમની પાસેથી મદદ મળે તેવી અપેક્ષા હતી તેવા જ લોકોએ લૂંટવાની યોજના બનાવી હતી અને તેઓ બહુ સિફતપુર્વક શૈલેષ ભટ્ટને લૂંટી રહ્યા હોવાનું સીઆઈડીની તપાસમાં બહાર આવ્યુ છે. સૌથી પહેલા શૈલેષ ભટ્ટને જેની ઉપર સૌથી વધુ ભરોસો હતો તેવા કિરીટ પાલડીયાએ રમતની શરૂઆત કરી હતી. કિરીટ પાલડીયાએ સીબીઆઈ ઓફિસર સુનિલ નાયર પાસે શૈલેષ ભટ્ટ ઉપર ફોન કરાવી ભટ્ટને ડરાવ્યો હતો અને પાલડીયાની સલાહ પ્રમાણે તે ભાગી અમદાવાદ આવતો રહ્યો હતો. ત્યાર બાદ પાલડીયા તેને સીબીઆઈને ઓફિસમાં નાયરને મળવા લઈ ગયો અને જાણે તે શૈલેષનો હિતેચ્છુ હોય તેવો દેખાવ કરી નાયર સાથે રૂપિયા પાંચ કરોડમાં પતાવટ કરી હતી.

ત્યાર બાદ પાલડીયા અને કેતન પટેલે એસપી જગદીશ પટેલ સાથે ગોઠવણ કરી અમરેલી પોલીસને કેસમાં સામેલ કરી હતી અને પાલડિયાના ફોન ઉપર જ્યારે શૈલેષ ભટ્ટ તેને મળવા ગાંધીનગર આવે છે ત્યારે અમરેલી પોલીસ ત્યાં આવી પહોંચે છે, જે શૈલેષને ઉપાડી જઈ 12 કરોડના બિટકોઇન પડાવે છે. આમ કિરીટ પાલડિયાએ સીબીઆઈ અને પોલીસ સાથે મળી  શૈલેષને લૂંટી લીધો હતો. આ ઘટના પછી શૈલેષ પાસે સતત પૈસાની ઉધરાણી કરી રહેલા અનંત પટેલને સમજાવવા માટે શૈલેષના મિત્ર દિલીપની એન્ટ્રી થાય છે. તેણે શૈલેષને કહ્યુ હતું કે અનંત તેના મિત્ર છે અને તે કેસની પતાવટ કરી આપશે તેમ કહી તે શૈલેષ પાસેથી 78 લાખ રૂપિયા લઈ જાય છે. ખરેખર દિલીપ પણ તેને લૂંટનારી ગેંગનો જ એક સભ્ય હતો.

આ ઘટના પછી શૈલેષ ડરી ગયો હતો પણ કિરીટ પાલડિયાએ શૈલેષને કહ્યુ કે તેના સંબંધમાં કાકા થતાં પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તેને મદદ કરશે એટલે તેઓ કોટડિયાને મળે છે, પણ શૈલેષ જાણતો ન્હોતો કે કોટડિયા પણ કાવતરાનો ભાગ છે.  કોટડિયા શૈલેષને સચિવાલય લઈ જાય છે પણ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ચેમ્બર બહાર બેસાડી રાખે છે. બહાર આવી કહે છે પ્રદિપસિંહ બહુ ગુસ્સામાં છે તેમણે કહ્યુ કે તમારે પોલીસ સાથે જે પતાવટ કરવી હોય તે કરી નાખો નહીંતર હું શૈલેષ સામે જ ગુનો દાખલ કરીશ. શૈલેષના મિત્ર અને કોટડિયાના સગા ભત્રીજા સંજય કોટડિયાનો પણ આમા સમાવેશ થાય છે. શૈલેષ માનતો હતો તે સંજય કોટડિયા તેનો મિત્ર છે પણ તેના લુંટી લેવામાં આવેલા 200 બિટકોઇનમાંથી 60 બિટકોઈ ખુદ સંજય જ ખરીદી લે છે.

આમ શૈલેષ ભટ્ટને તેના નજીકના જ લોકોએ લૂંટ્યો અને જેમની પાસે મદદ લેવા ગયો તે બધા પણ લૂંટમાં સામેલ હતાં તે આ બધા રહસ્યો સીઆઈડીની તપાસમાં ખુલી રહ્યા છે.