મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન  કેસમાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે અમદાવાદ સેશન્સ કોર્ટના જજ  પી. જે. તમાકુવાલાએ  બિનજામીનપાત્ર  વોરન્ટ ઈસ્યુ કર્યું છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ફરાર  નલિન  કોટડિયાને  ઝડપી લેવા માટે કોર્ટ સામે અરજી કરી વોરંટની માગણી કરી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

૧૨ કરોડની કિંમતના બિટકોઇન  પડાવી લેવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના નામનો ઉલ્લેખ થતા તેમણે આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે આરોપ મૂક્યા હતા. બીજી તરફ  સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે કોટડિયાને સમન્સ પાઠવી પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું કે  બે  સમન્સ  બાદ તેમણે તારીખ 12મી સુધીનો સમય આપવા માગણી કરી હતી. જોકે ત્યારબાદ પણ તેઓ સીઆઇડી સામે હાજર થયા નહોતા. કોટડિયાને શોધવા માટે સીઆઇડીએ ધારી ખાતેના તેમના નિવાસસ્થાન સહિત સંખ્યાબંધ સ્થળે  તપાસ કરી નિવેદન નોંધ્યા હતા.

સીઆઇડીએ સીઆરપીસીની કલમ  70 પ્રમાણે નલિન કોટડિયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાની માંગણી કરતા તેઓ ફરાર છે અને તેમને શોધવા માટે થયેલા પ્રયત્નો છતાં તેઓ મળી આવ્યા નથી. તેવુ કારણ દર્શાવી સીઆઇડી દ્વારા તેમની સામે બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યૂ કરવાની માગણી કરી હતી. જજ તંબાકુવાલાએ સીઆઇડીની  રજૂઆત ધ્યાનમાં લઇ વોરન્ટ ઈશ્યુ કર્યું  છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોરંટ બાદ પણ કોટડિયા મળી આવે નહીં તો સીઆઇડી દ્વારા તેમને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.