મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ બિટકોઈન કેસમાં પુર્વ ધારાસભ્ય નલીન કોટડિયા હજી નાસતા ફરે છે. જયારે અમરેલી પોલીસના સાત પોલીસ કોન્સટેબલની ધરપકડ બાકી છે, દરમિયાન છેલ્લાં ત્રણ દિવસથી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ સુરતના પીયુશ સાવલિયાની પુછપરછ કરી રહી છે, જો કે સીઆઈડીનો દાવો છે કે તેઓ પીયુશ સાવલિયાને પુછપરછ માટે લાવ્યા જ નથી, પરંતુ સુરતમાં રહેતા તેના પરિવાર ફરિયાદ કરી રહ્યા છે કે પીયુશને છેલ્લા ત્રણ દિવસથી સીઈડીવાળા લઈ ગયા છે, પરંતુ હજી સુધી સત્તાવાર રીતે તે અંગે કોઈ જાણકારી આપતા નથી, પરંતુ અગત્યની બાબત એવી છે કે જો ખરેખર પીયુશ સાવલિયા સીઆઈડી ક્રાઈમ પાસે જ છે તો પીયુશ દ્વારા સીઆઈડી કઈ મોટી માછલી સુધી પહોંચવા માગે છે.

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટની ફરિયાદમાં નલીન કોટડિયાનું નામ જાહેર થતાં નલીન કોટડિયાએ શૈલેષ ઉપર વળતો આરોપ મુકયો હતો. શૈલેષ ભટ્ટે સુરતના પીયુશ સાવલિયાનું અપહરણ કરી ધવલ માવાણી પાસેથી 150 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ કેસની પ્રારંભમાં અમરેલી પોલીસનો દાવો પણ હતો કે તેમની પાસે ધવલ માવાણીની અરજી હતી જેની તપાસમાં તેઓ ગાંધીનગર આવ્યા હતા. જો કે ત્યાર બાદ સીઆઈડીની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે અમરેલી પોલીસ પાસે ધવલ સંબંધમાં કોઈ અરજી ન્હોતી પણ પીયુશ સાવલિયા અને ધવલ માવાણીનો આ કેસમાં શું સંબંધ છે તે મહત્વની બાબત છે.

સીઆઈડીના સુત્રોના પ્રમાણે નલીન કોટડિયા જે આરોપ મુકી રહ્યા છે તેમાં અડધું સત્ય છે. તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે સુરતમાં નોટબંધી બાદ કરોડો રૂપિયા બિટકોઈનમાં લાગ્યા હતા. જેમાં ઘણા બધા મોટા પ્લેયર હતા, જેમાં એક ધવલ માવાણી પણ હતો. પીયુશ સાવલિયા ધવલની  કંપનીમાં કામ કરતો હતો. આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ અને તેમના ભાગીદારોએ ધવલ માવાણીને ત્યાં પોતાનું મોટું રોકાણ કર્યું હતું, પરંતુ  જો કે આ વર્ષના અંતમાં ધવલ માવાણી ગાયબ થઈ ગયો હતો, જેના કારણે જેમના રોકાણ ધવલ પાસે હતા તેઓ તેને શોધી રહ્યા હતા.

આ દરમિયાન શૈલેષ ભટ્ટની કંપનીના અન્ય ભાગીદારોને જાણકારી મળી હતી કે ધવલ માવાણી કયાં છે તેની જાણકારી પીયુશ સાવલિયા પાસે છે,  જાન્યુઆરી 2018માં  તેઓ પીયુશને ઉપાડી એક ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા, જ્યાં તેને ધાકધમકી આપી ધવલનું સરનામુ મેળવ્યુ હતું, જેના દ્વારા શૈલેષ અને તેના ભાગીદારો ધવલ માવાણી સુધી પહોંચ્યા હતા, ધવલ ઝડપાઈ જતા શૈલેષે પોતાના બિટકોઈનના બદલામાં અન્ય કેટલાંક કોઈન અને રૂ. 14 કરોડ રોકડા લીધા હતા. જ્યારે શૈલેષના ભાગીદારોએ પણ પોતાનો હિસ્સો લીધો હતો. જો કે ધવલ પાસેથી કેટલી રકમ વસુલમાં આવી તેની જાણકારી પીયુશ પાસે નથી.

આ ઘટના બાદ ધવલ માવાણી યુરોપ જતો રહ્યો હતો કારણ તેને સુરતમાં 12 હજાર કરોડ કરતા વધુ રકમ ચુકવવાની થતી હતી. હવે ધવલ યુરોપમાં છે તેની પાસેથી શૈલેષ અને તેના ભાગીદારોએ કેટલી રકમ વસુલી તેનો જવાબ ધવલ જ આપી શકે તેમ છે, પણ હજી સુધી ધવલે કોઈ ફરિયાદ આપી નથી. જ્યારે પીયુશ પાસે ધવલના ધંધાની અન્ય રોકાણકારોની પણ માહિતી છે. ધવલે કોને ચુનો લગાડયો અને ધવલને કોણ ચુનો લગાડી ગયો તેની જાણકારી સીઆઈડી પીયુશ પાસેથી લઈ રહી છે. સુત્રોની જાણકારી પ્રમાણે આ કેસમાં પણ સીઆઈડી જ પોતે ફરિયાદી થઈ બીજો ગુનો નોંધશે.