મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ 150 કરોડના બિટકોઈન કેસમાં ફરાર થયેલા શૈલેષ ભટ્ટને શોધવા માટે સીઆઇડી ક્રાઇમની ટીમો દિલ્હી, ચંદીગઢ અને  મુંબઇ પહોંચી છે. સીઆઇડીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શૈલેષ ભટ્ટનું છેલ્લું ટાવર લોકેશન વાપી હતું. જેના કારણે કેટલીક ટીમોએ દક્ષિણ ગુજરાતમાં પણ તપાસ કરી રહી છે.

સુત્રોની જાણકારી પ્રમાણે આ કેસમાં તમામ આરોપીઓના ઘરે સીઆઇડી પહોંચી હતી, પણ ભટ્ટ મળી આવ્યા નથી. તેમના પરિવારને સમન્સ આપી આરોપીઓને સીઆઇડી સામે હાજર થવાની સૂચના આપવામાં આવી છે. જો તેઓ સીઆઇડી સામે હાજર થશે નહીં તો બહુ જલ્દી કોર્ટમાંથી સીઆરપીસી 70નું વોરન્ટ મેળવવામાં આવશે.

જ્યારે શૈલેષ ભટ્ટના સાગરિતો રાજકોટ અને અમરેલી, જૂનાગઢ આસપાસ હોવાની શક્યતાને આધારે ટીમો ત્યાં પણ રવાના કરવામાં આવી છે. એક એવી પણ સંભાવના છે કે શૈલેષ ભટ્ટ દેશ બહાર જવાનો પણ પ્રયત્ન કરે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી ફરિયાદના આરોપી નલિન કોટડિયા પણ સીઆરપીસી 70ના વોરન્ટ પછી પણ મળી આવ્યા નથી. સંભાવના એવી  છે કે તેઓ પણ દેશ બહાર ગયા હોઈ શકે છે જો કે તેમના માટે લુક આઉટ નોટિસ પણ નીકળી ચુકી છે.