મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ બિટકોઇનની તપાસમાં સીઆઇડી ક્રાઇમની ટીમે વધુ રૂ. 3 કરોડ કબજે કર્યા છે. જિજ્ઞેશ મોરડિયાએ તેના ભાઈને આ રકમ આપી હોવાનું પોલીસની તપાસમાં સપાટી પર આવતા તેનો ભાઈ સીઆઇડી ક્રાઇમની ઓફિસે આવી આ રકમ જમા કરાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના બે યુવાનોનું અપહરણ કરી બળજબરીથી રૂ. 155 કરોડના બિટકોઇન પડાવી લેવાના પ્રકરણમાં દસ સામે ગુનો નોંધાયા બાદ સીઆઇડી ક્રાઇમની ટીમે અત્યાર સુધીમાં પાંચને પકડી પાડ્યા હતા. જેમાં વધુ એક આરોપીનું નામ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જેણે ડ્રાઇવર તરીકે ભૂમિકા ભજવી હતી. તો પકડાયેલા જિજ્ઞેશ મોરડિયા અને ઉમેશ ગૌસ્વામી પાસેથી વધુ રૂ. 3.05 કરોડ રોકડા કબજે કરાયા છે. એ સાથે અત્યાર સુધીમાં કુલ રૂ. 28 કરોડની મતા કબજે કરવામાં આવી છે.

સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ આણી મંડળીએ બે યુવાનોનું અપહરણ કરી તેને માર મારી ગોંધી રાખ્યા બાદ રૂ. 155 કરોડના બિટકોઇન બળજબરીથી કઢાવી લીધા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમની સુરત કચેરીમાં શૈલેશ ભટ્ટ સહિત દસ સામે અપહરણ, ખંડણીનો ગુનો નોંધાયો હતો. જેમાં અત્યાર સુધીમાં સીઆઇડી ક્રાઇમની ટીમે પાંચની ધરપકડ કરી રૂ. 25 કરોડની મતા કબજે કરી છે. જેમાં વધારો થયો છે. પકડાયેલા જિજ્ઞેશ મોરડિયા અને ઉમેશ ગૌસ્વામી પાસેથી રૂ. 3.05 કરોડ વધુ કબજે કર્યા એ સાથે જ રિકવરીની રકમ રૂ. 28 કરોડ જેટલી થઈ છે.

સીઆઇડી ક્રાઇમની ટીમની તપાસમાં અપહરણ કરતી વખતે કાર ચલાવનારા હિંમતનું નામ ખુલ્યું છે. જેને પકડી પાડવાનાં ચક્રો પોલીસે ગતિમાન કર્યાં છે. તો પકડાયેલા જિજ્ઞેશ, ઉમેશ અને મહેશ ક્યાડાનાં રિમાન્ડ પૂરાં થતાં તે ત્રણેયને કોર્ટ કસ્ટડીમાં ધકેલી દેવાયા છે. વધુ તપાસ પોઈ પી.જી. નરવાડે કરી રહ્યા છે.