મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન કેસમાં એક પછી એક જુદી જ કડીઓ ખુલતી જાય છે.  આ કેસમાં ફરાર પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ શૈલેષ ભટ્ટે પણ અપહરણ અને લૂંટ કરી હોવાનો આરોપ મુક્યો હતો. જો કે ત્યાર બાદ તરત જેનું અપહરણ થયુ હોવાનો આરોપ મુક્યો હતો તેવા પીયુશ સાવલિયાએ પોતાનું અપહરણ જ થયુ નથી તેવુ સોંગદનામુ સીઆઈડીને મોકલ્યુ હતું, જેના કારણે ગઇકાલ સોમવારે સવારે સીઆઈડીની ટીમ પીયુશ સાવલિયાને સુરતથી લઈ આવી હતી.. જેની આજે બીજા દિવસે પણ ગાંધીનગર સીઆઈડીની ઓફિસમાં પૂછપરછ ચાલી રહી છે. સીઆઈડીએ પીયુશના બનેવી પુનીત પટેલના લોકરમાં રહેલા 12.50 લાખ રૂપિયા મંગાવી તે  પણ કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

શૈલેષ ભટ્ટની મુળ ફરિયાદ પ્રમાણે અમરેલી પોલીસ પોતાના ભાગીદાર કિરીટ પાલડીયા અને પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ સાથે મળી અપહરણ અને લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને પોતાના 12 કરોડની કિંમતના બિટકોઇન લુંટી લીધા હતા. આ મામલે ગુનો નોંધાયા બાદ સીઆઈડી ક્રાઈમે ધરપકડો પણ શરૂ  કરી છે. જો કે આ દરમિયાન ફરાર નલિન કોટડિયાએ આરોપ મુકયો હતો કે કોઈ મોટા નેતાના ઈશારે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ખરેખર શૈલેષ ભટ્ટે પિયુશ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ કરી તેને લુંટી લીધો હતો. ધવલ પાસેથી 14 કરોડ રોકડા અને 150 કરોડના  બિટકોઇન પડાવી લીધા છે. જો કે આ મામલે ગુજરાત સીઆઈડી અથવા ગુજરાતના કોઈ પોલીસ સ્ટેશનમાં શૈલેષ ભટ્ટ વિરૂધ્ધ કોઈ ગુનો નોંધાયો નથી.

પરંતુ પોતાનું અપહરણ થયુ નથી તેવો દાવો કરનાર પિયુશ સાવલિયાને સીઆઈડી ક્રાઈમ  બ્રાન્ચ છેલ્લાં 48 કલાકથી પૂછપરછ કરી રહી છે કે કોના કહેવાથી તેણે પોતાનું અપહરણ થયુ નથી તેવુ સોંગદનામુ કર્યુ છે. પિયુશનું સોંદગનામુ તેના બનેવી પુનીત પટેલે કરાવ્યુ હોવાને કારણે સીઆઈડી દ્વારા સોમવારે તેમને પણ લાવવામાં આવ્યા હતા. જ્યા મોડી સાંજ સુધી તેમની પૂછપરછ કરી હતી જ્યારે તેમના લોકરમાં 12.50 લાખ રોકડા હતા તે પણ મંગાવી લઈ તેને કબજે કર્યા છે. જો કે આ અંગે સીઆઈડી ક્રાઈમ પીયુશ અને પુનીતને લાવ્યા હોવાનો ઈન્કાર કરે છે. સોમવારની રાત્રે પુનીત પટેલને ઘરે જવાની મંજુરી મળી હતી, જયારે પિયુશ હજી સીઆઈડી પાસે છે.