મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન કેસના સૂત્રધાર અમરેલીના ડીએસપી જગદીશ પટેલ આખી ઘટનાનો ટોપલો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ  ઇન્સ્પેક્ટર અનંત પટેલ અને તેમના સ્ટાફ ઉપર ઢોળી દીધો છે. પરંતુ આ હવે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને  જગદીશ પટેલની ધરપકડ થાય એટલા પુરાવા મળી ગયા છે. જ્યારે  જગદીશ પટેલ પોતાની ધરપકડ ટાળવા માટે પોતાની તમામ રાજકીય વગનો ઉપયોગ  કરી રહ્યા છે.

બિટકોઇન કેસમાં સુરતના  બિલ્ડર  શૈલેષ ભટ્ટ સામે ખોટી અરજી ઉભી કરી ગાંધીનગરથી અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ જઈ બિટકોઇન પડાવી કરોડોનો તોડ કરવાની યોજના ખુદ જગદીશ પટેલે જ બનાવી હોવાના પુરાવા સીઆઇડી ક્રાઇમને મળ્યા છે. આ કાવતરું સુરતના વકીલ કેતન પટેલ સાથે મળી ઘડવામાં આવ્યું હતું.

વકીલ કેતન પટેલ અને ડીએસપી જગદીશ પટેલ સતત સંપર્કમાં હતા.  કેતન પટેલ જે ફોન દ્વારા  જગદીશ પટેલના સંપર્કમાં હતો તે ફોન કેતન પટેલના કહેવાથી નાશ કરી નાખ્યો હતો જ્યારે સીઆઇડીએ આ ફોનની માંગણી કરી ત્યારે તેણે ફોન તોડી નાખ્યો હોવાનું કહેતા સીઆઇડીએ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જગદીશ પટેલની ધરપકડ થઈ શકે તેની તૈયારી થઈ ચૂકી છે.