મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ ગુજરાત પોલીસના બેડામાં ખડભડાટ મચાવી દેનાર 12 કરોડની કિંમતના બિટકોઈન પડાવી લેવાના કેસમાં અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. ગૃહ વિભાગના ઉપસચિવ જી.પી. તાડાના આદેશ અનુસાર આઈપીએસ જગદીશ પટેલ પોલીસ કસ્ટડી પછી જામીન પર છુટ્યા બાદ પણ નોકરી પર લેવાશે નહીં.

રૂ. 12 કરોડની કિંમતના બિટકોઈન પડાવી લેવાના કેસમાં અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલને સસ્પેન્ડ કર્યા બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલને ગૃહ વિભાગે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. બિટકોઈન પચાવી પાડવાના કેસમાં એસપી જગદીશ પટેલની ગત 23 એપ્રિલના રોજ સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોઈ પણ આરોપી અને તેમાં પણ સરકારી અધિકારી 48 કલાક કરતા વધુ સમયથી પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે રાજ્ય સરકારના નિયમો અનુસાર તેમને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. અમરેલી ડીએસપી જગદીશ પટેલ આઈપીએસ અધિકારી હોવાથી તેમને અખિલ ભારતીય સેવા (શિસ્ત અને અપીલ) નીયમો, 1969ના નિયમ-3 (2)ની જોગવાઈ મુજબ આપોઆપ (deemed) સસ્પેન્શન હેઠળ મુકવાના રહેતા હોઈ સસ્પેન્શન હેઠળ મુકવામાં આવ્યા છે. ડીએસપી જગદીશ પટેલની પોલીસ કસ્ટડી કે જ્યુડિશ્યલ કસ્ટડીમાંથી જામીન પર મુક્ત થાય તો તેમને ફરજ પર ફરી હાજર નહીં કરવાનું તેમાં જણાવાયું છે. ઉપસચિવ જી. પી. તાડા દ્વારા આ અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને પત્ર લખીને જાણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એન્કાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓની ધરપકડ કર્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ આ બિટકોઈન કેસમાં એક આઈપીએસ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે.

બિટકોઈન કેસમાં સીઆઈડીની કસ્ટડીમાં રહેલા અમરેલીના એસપી જગદીશ પટેલને રાજ્યના ગૃહ વિભાગે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. જગદીશ પટેલ હાલમાં તા 5મી સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે. બિટકોઈન કેસમાં અમરેલીના એસપી જગદીશ પટેલે ક્રાઇમ બ્રાન્ચના  પોલીસ ઇન્સ્પેકટર અનંત પટેલ અને તેમના  સ્ટાફને ગાંધીનગર મોકલી  સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરાવી રૂપિયા 12 કરોડના બિટકોઈન પડાવી લીધા હતા. આ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા જગદીશ પટેલ સાથે બીજા કોણ કોણ સંકળાયેલા છે તેની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ગૃહ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે  હજી સાત પોલીસ કોન્સ્ટેબલ્સની ધરપકડ કરવાની બાકી છે હાલમાં સીઆઇડી કિરીટ પાલડિયાની પૂછપરછ કરી રહી છે, સુત્રોની જાણકારી પ્રમાણે ખૂબ મહત્વની જાણકારી પાલડિયા પાસેથી મળી છે હવે આગળની તપાસ નલિન કોટડિયા તરફ જશે.