મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન કેસમાં પોતાની જાતને બચાવી રહેલા અમરેલીના ડીએસપી જગદીશ પટેલ પોતાને બહુ લાંબો સમય સુધી બચાવી શક્યા નહીં. રવિવારની મોડી રાતે અમરેલી ખાતે પહોંચેલી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલને ઉપાડી લીધા હોવાની જાણકારી મળી રહી છે. સોમવાર વહેલી સવારે તેમને ગાંધીનગર લાવી તેમની સત્તાવાર ધરપકડ દર્શાવવામાં આવશે તેમ સીઆઈડીના સુત્રોએ જણાવ્યુ છે.

બિટકોઇન કેસમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી રૂપિયા 12 કરોડના બિટકોઈન પડાવી લેવાના કેસમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો નોંધાયા પછી હમણાં સુધી અમરેલીના પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલ સહિત બે પોલીસવાળા અને એક વકીલ સહિત કુલ ચાર લોકોની ધરપકડ થઈ છે. અનંત પટેલ અને વકીલ કેતન પટેલની પૂછપરછ દરમિયાન સીઆઈડી ક્રાઈમને સોંપી જગદીશ પટેલનીની ભુમીકા અંગે પુરાવા અને નિવેદન પણ મળ્યા હતા જેના આધારે જગદીશ પટેલની ધરપકડનો તખ્તો ઘડાયો હતો.

જો કે પોતાની ધરપકડ થશે તેવો અંદાજ ખુદ જગદીશ પટેલને પણ આવી ગયો હતો. જેના કારણે શનિવારે સીઆઈડી ક્રાઈમ દ્વારા તેમને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા પણ તેઓ સીઆઈડી સામે હાજર થયા ન્હોતા. રવિવારની રાતે રાતના બાર વાગ્યે અમરેલી એસપીના સત્તાવાર બંગલે સીઆઈડી ક્રાઈમના વાહનો પહોંચ્યા હતા અને તેમણે ડીજીપી આશીષ ભાટીયાના આદેશ પ્રમાણે તેમને પોતાની સાથે આવવાની સુચના આપી હતી. જગદીશ પટેલને લઈ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર આવવા રવાના થઈ છે. સોમવારે તેમની સત્તાવાર રીતે ધરપકડ દર્શાવવામાં આવશે.

બિટકોઈન કેસમાં અમરેલીના ડીએસપી જગદીશ પટેલની ધરપકડને સૌથી મોટી ધરપકડ માનવામાં આવી રહી છે. હવે આ કેસમાં મહત્વના આરોપી તરીકે પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનો નંબર આવી રહ્યો છે. સીઆઈડીના સુત્રો પ્રમાણે તેના માટે થોડી રાહ જોવી પડશે હવે તપાસ કોટડિયા તરફ ગતી કરશે.