મેરાન્યૂઝ નેટવર્ક, પટના: આરજેડી અધ્યક્ષ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંટ્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપના લગ્ન બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દારોગા પ્રસાદની પૌત્રી ઐશ્વર્યા રાય સાથે શનિવારે સંપન્ન થયા. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પહોંચ્યા હતા અને તેમણે નવદંપતીને આશિર્વાદ આપ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં 7 હજારથી વધુ લોકો આવતા ભોજન અને લગ્ન સ્થળે ભારે ભીડ અને ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો અને ક્રોકરીની તોડફોડ તથા ભોજનની લૂંટફાટ મચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડમાં જેલની સજા ભોગવી રહ્યાં છે અને લગ્ન માટે પેરોલ પર મુક્ત થઇને આવ્યા છે. આ પ્રસંગે નીતિશ કુમાર અને લાલુ યાદવે લાંબો સમય સુધી એકબીજા સાથે બેસી વાતચીત કરી હતી.

તેજ પ્રતાપની જાન જોડવામાં આવે ત્યારે પિતા લાલુ પ્રસાદ યાદવ અને માતા રાબડી દેવી તેજ પ્રતાપની કારમાં પાછળની સીટ પર બેઠા હતા. આ હાઇપ્રોફાઇલ લગ્નમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ, સાંસદ સુભાશ ચંદ્ર, મંત્રી આરકે સિંહ, મીરા કુમાર, શરદ યાદવ, અભિનેતા શત્રુઘ્ન સિન્હા, પ્રફુલ પટેલ, રામ વિલાસ પાસવાન સહિત ઘણા રાજ્યોમાંથી આવેલા રાજનેતાઓએ નવદંપતીને આશિર્વાદ આપ્યા હતા. લગ્ન દરમિયાન મંચની સીડીઓ તૂટવાનો બનાવ પણ બન્યો હતો જેમાં કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી.