મેરાન્યૂઝ નેટવર્ક, પટના: બિહારના મુજફ્ફરપુરમાં સ્કૂલ પરિસરમાં ગત શનિવારે બેકાબુ બોલેરોની ટક્કરથી 9 વિદ્યાર્થીઓના મોત મામલે પોલીસે આરોપી વાહન ચાલક ભાજપના નેતા મનોજ બેઠા વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી છે અને ફરાર નેતાની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે. બિહારમાં પણ ગુજરાતની જેમ દારુબંધી કરવામાં આવી છે. પરંતુ આક્ષેપ છે કે અકસ્માત સર્જનાર ભાજપના આ નેતા દારુના નશામાં હતા. જેથી આ અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારમાં દારુબંધીના કડક અમલ  પર સવાલ ઉઠાવ્યા છે.  

રાહુલ ગાંઘીએ ફેસબુક પર પોસ્ટ કર્યું છે કે ‘નાશામુક્ત બિહાર’ માં નશામાં ચુર એક ભાજપ નેતાએ 9 બાળકોને મારી નાખ્યા. નીતિશજી શું આ જ છે તમારી દારુબંધીની હકીકત? તમારા અંતરાત્માનો અવાજ આજે કોને બચાવી રહ્યો છે – આરોપી ભાજપા નેતા ને કે બિહારમાં દારુબંધીના સત્ય ને?

અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે બિહારના મુજફ્ફરપુરની મીનાપુર પોલિસ સ્ટેશન વિસ્તારમાં ધર્મપુર ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલાયની સામે વિદ્યાર્થીઓ સ્કૂલથી છૂટી ઘરે જઇ રહ્યા હતા ત્યારે નશાની હાલતમાં બોલેરો કાર ચલાવી રહેલા ભાજપના સ્થાનિક નેતા મનોજ બૈઠાએ 30 વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માત સર્જ્યા બાદ ભાજપ નેતા મનોજ બૈઠા ફરાર થઇ ગયો છે. આ ઘટનામાં 9 વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે 24 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ભાજપ સાથે જોડાયેલા મનોજ બૈઠા મહાદલિત પ્રકોષ્ઠના સીતામઢી જિલ્લાકક્ષાના નેતા છે.