મેરાન્યૂઝ નેટવર્ક, પટના: બિહારના હાજીપુરમાં આજે રવિવારે વહેલી સવારે આનંદ વિહાર-રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં સાત મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા છે. રેલવે અધિકારીઓનું કહેવુ છે કે કદાચ આ ઘટના પાટા તૂટવાના કારણે થઇ છે. આ દુર્ઘટના હાજીપુર-બછવાડા રેલવે સેક્શન વચ્ચે સહદોઇ સ્ટેશન નજીક ઘટી હતી. જેમાં કેટલાક કોચ બીજા કોચ પર પણ ચડી ગયા હતા.

સોનપુર ડિવિઝનથી પ્રાપ્ત માહિતી અનુસાર જોગબનીથી નવી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ જઇ રહેલ સીમાંચલ એક્સપ્રેસ રવિવાર સવારે 3 વાગ્યેને 52 મિનિટે મેહનાર રોડ ક્રોસ કરી આગળ વધી અને લગભગ 4 વાગ્યે સહદોઇ બુજુર્ગ પાસે પાટા પરથી ખડી પડી. જેમાં ત્રણ સ્લીપર (એસ-8, એસ-9 અને એસ-10) તથા એક એસી (બી-3) કોચ સહિત 11 કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. ઇસ્ટ સેંટ્રલ રેલવેના જનરલ મેનેજર એલસી ત્રિવેદીએ આ ઘટનામાં સાત લોકોના મોતને સમર્થન આપ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની બે ટીમ કાર્યરત છે.

ઘટનાને પગલે રેલવે વિભાગ દ્વારા વળતર અને સહાયની જાહેરાત કરાઇ છે. જેમાં મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયા તથા સામાન્ય ઇજા થઇ હોય તેમને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે જ ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ સરકાર ઉપાડશે. ઘટના અંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દુખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય તરફથી દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યુ છે.