મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ શાળાની ફીના મામલે સર્જાયેલી સમસ્યાના વિરોધમાં વાલીઓ દ્વારા ઉપવાસનું શસ્ત્ર ઉગામાયા બાદ બુધવારે સવારે વાલીઓએ રેલી કાઢી
વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં કોંગ્રેસના આગવાનો પણ જોડાયા હતા. જેથી આ સળગતી સમસ્યામાં પોતાની હાજરી પુરાવી કોંગ્રેસે પોતે લોકોની સાથે હોવાની વાત
પુરવાર કરવા માટેની તક ઝડપી લીધી હતી. સ્કૂલોની ફી ઓછી કરવાની માંગ સાથે છેલ્લા 10 દિવસથી વાલીઓ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા. પોલીસ પરવાનગીના આજે છેલ્લા દિવસે વાલીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વોલીઓ સાથે કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. જોકે તેમ છતાં સ્કૂલ માફિયાઓના પેટનું પાણી હલતું નથી.

સુરતની શાળોઓમાં મન ફાવે તેમ વસૂલાતી ફી મુદ્દે પેરેન્ટ્સ એસોશિએશને વિરોધ પ્રદર્શન, લડતનું અભિયાન શરૂ કર્યું છે. જેમાં વાલીઓના ઉપવાસ પ્રદર્શનને 10 દિવસ પૂરા થઈ ગયા છે. આજે 11મા દિવસે વાલીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ રેલીમાં વાલીઓ સાથે કોંગ્રેસના કાર્યકરો પણ બેનર્સ સાથે જોડાયા હતા. વાલીઓની રેલી વનિતા વિશ્રામથી નીકળી હતી. જેમાં વિવિધ શાળાઓના વાલીઓ જોડાયા હતા.

જ્યારે કોંગ્રેસના બારડોલીના પૂર્વ સાંસદ તુષાર ચૌધરી સહિત કાર્યકરો પણ જોડાયા હતા. છેલ્લા દસ દિવસથી સિટીલાઈટ સ્થિત અણુવ્રત દ્વારા ખાતે વાલીઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું હતું.  જેમાં હિતેશ લકલેચા દ્વારા 10 દિવસ ઉપવાસ કરવામાં આવ્યા હતા. તેની સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. દસ દિવસ ચાલેલા ઉપવાસ આંદોલનમાં વાલીઓની તબિતય પણ લથડી હતી.  વાલીઓની તબિયત લથડવા છતાં ઉપવાસ આંદોલન ચાલું રાખવામાં આવ્યું હતું. એફઆરસીને પોસ્ટકાર્ડ પણ લખવામાં આવ્યા હતા.